Advertisement

ધોરણ 10-12 પછી શું? વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા આણંદ માહિતી કચેરી દ્વારા 'કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026' પ્રસિદ્ધ

ધોરણ 10-12 પછી શું? વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા આણંદ માહિતી કચેરી દ્વારા 'કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026' પ્રસિદ્ધ

આણંદ: ધોરણ ૧૦ અને ૧૨ પછી શું??? આ યક્ષ પ્રશ્ન બોર્ડની પરીક્ષાનો સામનો કરનાર દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થતો હોય છે.


હાલના સોશિયલ મીડિયાના સાપ્રંત સમયમાં દરેકે દરેક કારકિર્દીલક્ષી વિગતો હાથવગી બની છે. પરંતુ તેની વિશ્વનિયતા કેટલી? જેના પ્રતિ ઉત્તરમાં ગુજરાત સરકારના માહિતી કમિશનરની કચેરી, ગાંધીનગર  દ્વારા પ્રસિદ્ધ કરાયો કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026...જી..હાં...તે પણ નજીવા દરે... કિંમત માત્ર રૂ.20/-, આ 174 પાનાનો સંપુટ.

   

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026 માં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને કારકિર્દીના વિકલ્પો પર પ્રકાશ પાડતા વિવિધ વિષયો પરના વિસ્તૃત છણાવટ કરતાં લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


ધો.10 અને 12 પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-સ્વરોજગારીની તકો, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, કોમર્શિયલ પાયલોટ, હોટેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ, મેડિકલ પેરા મેડિકલ, હોમિયોપેથી, સાયબર સિક્યુરિટી, ડેરી અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ફેશન ડિઝાઇન, સરકારી નોકરી, ચિત્રકલા, શિક્ષક, નૃત્ય સંગીત અને અભિનય, ગુજરાત વિદ્યાપીઠ ના અભ્યાસક્રમો, નવા યુગના વ્યવસાયો, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો અને કેવી રીતે એડમિશન લઈ શકાય તે સહિતનું માર્ગદર્શન આ અંકમા સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.


વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ અંકની વિશેષતા એ છે કે, તેમાં અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતોનો રસથાળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.


આ અંક વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર તેમજ યોગ્ય દિશા નક્કી કરવામાં દીવાદાંડી સમાન છે. આ ઉપરાંત તેમાં રહેલી વિગતો માર્ગદર્શન આપનાર અને કારકિર્દી ઘડતર માટેની મૂંઝવણો દૂર કરનાર સાબિત થશે.


આ અંકમાં 174 પેજમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં ધોરણ 10 અને ધોરણ 12 પછીના કારકિર્દીના વિકલ્પો, અગત્યની વેબસાઈટ આપવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે.


આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ તથા વાલીઓને જણાવવાનું કે, માત્ર રૂ.20/- ની કિંમત ધરાવતા આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2026, નાયબ માહિતી નિયામકની કચેરી, માહિતી ખાતુ, બોરસદ ચોકડી પાસે, જુના સેવા સદન, જિલ્લા માહિતી કચેરી, રૂમ નં 113, પહેલા માળે, આણંદ ખાતેથી કચેરી સમય દરમિયાન મળી રહેશે.

Advertisement