ગાંધીનગર : ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી વિકાસ પામી રહ્યો છે ત્યારે ધોલેરા સ્થિત ITI દ્વારા દેશની પ્રથમ ‘UHP સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ની બેચ સફળતાપૂર્વક પાસ આઉટ થઈ છે. કુલ 16 વિદ્યાર્થીઓએ આ વિશેષ તાલીમ પૂર્ણ કરી છે અને હવે તેમને ધોલેરામાં ઉભા થઈ રહેલા સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં સીધી રોજગારીની તક મળશે.
આ પ્રોગ્રામ ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (TATA IIS) દ્વારા ગુજરાત સરકાર અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી ચલાવવામાં આવે છે. દેશનો આ પહેલો એવો પ્રયોગ છે જેમાં ITI સ્તરે સેમિકન્ડક્ટર માટે તૈયાર ક્લીનરૂમ તાલીમ સુવિધા ઉભી કરવામાં આવી છે અને તેને સીધા કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ સાથે જોડવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગને ગતિ આપવા સાથે કુશળ માનવબળ તૈયાર કરવા માટે વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યા છે. ધોલેરા અને સાણંદ જેવા વિસ્તારોમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને ધ્યાનમાં રાખીને યુવાનોને આધુનિક ટેકનિકલ તાલીમ આપવામાં આવી રહી છે.
‘UHP સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ હેઠળ તાલીમાર્થીઓને અલ્ટ્રા હાઇ પ્યુરિટી વેલ્ડિંગ, ક્લીનરૂમ પ્રોટોકોલ, પ્રિસિઝન ટ્યુબ તૈયારી, ઓર્બિટલ અને IR ફ્યુઝન વેલ્ડિંગ, લીક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા નિરીક્ષણ જેવી અગત્યની ટેકનિકલ કુશળતાઓ શીખવવામાં આવે છે. અંદાજે 70 ટકા તાલીમ હેન્ડ્સ-ઓન રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને વાસ્તવિક ઉદ્યોગનો અનુભવ મળી શકે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ITI ધોલેરામાં ISO ક્લાસ 1 લાખ સ્ટાન્ડર્ડ મુજબ કન્ટેનરાઇઝ્ડ ક્લીનરૂમ લેબ ઉભી કરવામાં આવી છે. અહીં ઓર્બિટલ વેલ્ડિંગ મશીન, હિલિયમ લીક ટેસ્ટિંગ સિસ્ટમ, પ્રેશર ટેસ્ટિંગ સેટઅપ અને એર શાવર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો હોવાથી રાજ્ય સરકાર અથવા ITI પર કોઈ મૂડી ખર્ચનો બોજો નથી.
આ છ અઠવાડિયાના કોર્સમાં અમદાવાદ સ્થિત IIS ખાતે બે અઠવાડિયાની પ્રાથમિક તાલીમ અને ITI ધોલેરામાં ચાર અઠવાડિયાની એડવાન્સ ક્લીનરૂમ તાલીમ આપવામાં આવે છે. કોઈપણ ટ્રેડમાંથી ITI પાસ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે.
પ્રોગ્રામ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની વિગતો ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા મંજૂર જનરલ કોન્ટ્રાક્ટરોને મોકલવામાં આવી છે, જે હાલમાં ધોલેરા સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટ પર કાર્યરત છે. પરિણામે તાલીમાર્થીઓને સીધી નોકરીની તકો ઉપલબ્ધ બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી રહ્યું છે. ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 અમલમાં મૂકી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે. રાજ્ય હાલમાં ભારતની કુલ મંજૂર સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતામાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં અંદાજે રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ સામેલ છે.