ધો. 10 અને 12ની પૂરક પરીક્ષા માટે GSEBની વિશેષ હેલ્પલાઇન શરૂ, વિદ્યાર્થીઓને મળશે નિષ્ણાત માર્ગદર્શન

ધો. 10 અને 12ની પૂરક પરીક્ષા માટે GSEBની વિશેષ હેલ્પલાઇન શરૂ, વિદ્યાર્થીઓને મળશે નિષ્ણાત માર્ગદર્શન


ગાંધીનગર: ધોરણ 10 અને ધોરણ 12ની જૂન-2026ની પૂરક પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિશેષ ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં જોવા મળતા તણાવ, ગભરાટ તેમજ અભ્યાસ સંબંધિત પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે બોર્ડે નિષ્ણાત કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટની સેવા ઉપલબ્ધ કરાવી છે.


બોર્ડના જણાવ્યા અનુસાર, પૂરક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષા, અભ્યાસ આયોજન, માનસિક તણાવ અને અન્ય મૂંઝવતા પ્રશ્નોને લઈને માર્ગદર્શન મેળવી શકશે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવાનો અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો છે.


આ હેલ્પલાઇન સેવા 3 જૂન 2026થી 20 જૂન 2026 દરમિયાન કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકશે. હેલ્પલાઇનનો સમય દરરોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી રહેશે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ સેવાનો લાભ લેવા અપીલ કરી છે, જેથી પરીક્ષા દરમિયાન ઊભા થતા પ્રશ્નોનું સમયસર નિરાકરણ મળી શકે અને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ તથા માનસિક સ્થિરતા સાથે પરીક્ષા આપી શકે.