નડિયાદના સંતરામ રોડ પર આવેલી જાણીતી ‘ધ ગ્રાન્ડ જ્યોતિ’ (જ્યોતિ દાલપુરી) રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ખાણીપીણીના શોખીનોમાં લોકપ્રિય આ રેસ્ટોરન્ટમાં અચાનક અધિકારીઓ પહોંચતા અન્ય હોટલ સંચાલકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.
તપાસ દરમિયાન અધિકારીઓએ રસોડામાં જઈને સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરી હતી. દાલપુરી સહિત વિવિધ વાનગીઓ, મસાલા અને તેલના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતીની ખાતરી કરી શકાય.
વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ જો કોઈ ભેળસેળ અથવા હલકી ગુણવત્તા સામે આવશે તો રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.