અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં અંગત અદાવતને પગલે હિન્દુ યુવકની હત્યાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી અને ઉગ્ર માહોલ સર્જાયો છે. નસીબ સોસાયટી વિસ્તારમાં બે બાઈકચાલકો વચ્ચે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે થયેલી માથાકૂટ ગંભીર ઝઘડામાં ફેરવાઈ હતી, જેમાં રિઝવાન નામના યુવકે ધર્મેશ ગમારા પર છરીથી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાને કારણે ધર્મેશનું મોત નિપજતા ઘટનાએ કોમી તણાવનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
હત્યાના વિરોધમાં રોષે ભરાયેલા ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ હિંસક બની ગઈ હતી. પાળીયાદ રોડ અને મુખ્ય સર્કલ સહિતના વિસ્તારોમાં ઉશ્કેરાયેલા ટોળાઓએ દુકાનો અને વાહનોને આગ ચાંપી દેતા ભારે અફરાતફરી મચી હતી. આગના ધુમાડાથી સમગ્ર વિસ્તાર ઢંકાઈ ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેના કારણે બજારો તાત્કાલિક બંધ થઈ ગયા હતા.
પરિસ્થિતિ બગડતા પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. જિલ્લા પોલીસવડા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી શહેરમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે તેમજ આશરે 25 શંકાસ્પદ લોકોને અટકાયત કરવામાં આવી છે.
આગચંપીની ઘટનાઓને કાબૂમાં લેવા માટે બાવળા, બગોદરા, ધોળકા અને ધોલેરા સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી, જેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકના મૃતદેહને આરએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે. હાલ પરિસ્થિતિ પોલીસના નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાયું છે, છતાં તંગદિલીને ધ્યાનમાં રાખીને વધારાની પોલીસ તૈનાત રાખવામાં આવી છે.