પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોની ચર્ચાઓ હજુ શાંત પણ થઈ નથી ત્યાં દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત અને મોંઘવારીને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. અત્યાર સુધી સરકાર દ્વારા ઈંધણની અછત અંગેના દાવાઓને માત્ર અફવા ગણાવીને નકારી કાઢવામાં આવતા હતા, પરંતુ હવે ભાજપના વરિષ્ઠ સાંસદ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ગરમાયો છે. રૂપાલાએ સ્વીકાર્યું કે દેશમાં હાલ માત્ર 40 ટકા જેટલો જ પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. તેમના આ નિવેદન બાદ સરકારના “ગભરાવાની જરૂર નથી” જેવા દાવાઓ પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ માટે લાંબી કતારો
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ઘણા પેટ્રોલ પંપો પર “સ્ટોક નથી”ના બોર્ડ લાગી ગયા છે. વાહનચાલકોને ઈંધણ મેળવવા માટે એક પંપથી બીજા પંપ સુધી ભટકવું પડી રહ્યું છે. જ્યાં થોડો ઘણો સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં કલાકો સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરિસ્થિતિ વચ્ચે સરકાર લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી રહી છે, પરંતુ સાંસદ રૂપાલાએ પણ લોકોને સંયમ રાખીને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપતા હાલની સ્થિતિ ચિંતાજનક હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
ભારતીય કિસાન સંઘનો સરકાર પર પ્રહાર
ઈંધણ કટોકટી મુદ્દે ભારતીય કિસાન સંઘે પણ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સંઘે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે ખેડૂતોને ટ્રેક્ટર માટે જરૂરી ડીઝલ પણ સરળતાથી મળતું નથી, ત્યારે એરકન્ડિશન્ડ સ્ટેડિયમોમાં ફ્લડલાઈટ હેઠળ રમાતી ક્રિકેટ મેચો અને મોટા મનોરંજન કાર્યક્રમોમાં ઊર્જાનો આટલો બગાડ કેમ કરવામાં આવે છે? સંઘે આને સામાન્ય જનતા અને ખેડૂતો સાથેનો અન્યાય ગણાવ્યો છે.
IPL અને મોટા કાર્યક્રમો પર પ્રતિબંધની માંગ
ભારતીય કિસાન સંઘે દેશમાં ઉભી થયેલી ઈંધણ કટોકટી અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ મોટી માંગણી મૂકી છે. સંઘે કહ્યું છે કે હાલ માટે IPL જેવી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટો તેમજ મોટા પાયે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી ઈંધણ અને વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવી શકાય.
આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા
સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા જ ઈંધણના મર્યાદિત જથ્થાની કબૂલાત થતા હવે લોકોમાં ભવિષ્યને લઈને ચિંતા વધી રહી છે. જો સરકાર દ્વારા ઝડપથી અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની અછત વધુ વિકટ બની શકે છે અને તેનો સીધો પ્રભાવ સામાન્ય જનજીવન, પરિવહન અને ખેતી પર પડી શકે છે.