દેશમાં 16મી વસ્તી ગણતરીનો (Census) પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ અંગે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગણતરીકારોને સાચી અને સચોટ માહિતી પૂરી પાડે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી છે કે નાગરિકો દ્વારા આપવામાં આવતી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ખાનગી અને સુરક્ષિત રાખવામાં આવશે.
પત્રકારો સાથે વાત કરતા કમિશ્નર નારાયણે સ્પષ્ટતા કરી હતી કે, સેન્સસ એક્ટના સેક્શન 15 હેઠળ વસ્તી ગણતરીના આંકડાઓને સંપૂર્ણ ગુપ્ત રાખવાની જોગવાઈ છે. આ ડેટાનો ઉપયોગ કોર્ટમાં પુરાવા તરીકે કે કોઈપણ સરકારી યોજનાનો ફાયદો મેળવવા માટે કરી શકાશે નહીં. આ માહિતી કોઈપણ સરકારી કે ખાનગી સંગઠન સાથે શેર કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) હેઠળ પણ કોઈ વ્યક્તિની માહિતી માંગી શકાશે નહીં. ડેટાનો ઉપયોગ માત્ર આંકડાકીય વિશ્લેષણ અને કોષ્ટકો તૈયાર કરવા પૂરતો જ મર્યાદિત રહેશે.
આ વખતની વસ્તી ગણતરીમાં સૌથી મોટો મુદ્દો જાતિ આધારિત ગણતરીનો છે. કેટલાક લોકો જાતિ અંગે સાચી માહિતી આપતા ડરે છે તેવી ભીતિ વચ્ચે કમિશ્નરે જણાવ્યું હતું કે, જાતિ અંગેની વિગતો વસ્તી ગણતરીના બીજા તબક્કામાં એકત્રિત કરવામાં આવશે. આ માટેના સવાલો વ્યાપક ચર્ચા-વિચારણા બાદ અને તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને અંતિમ પ્રશ્નાવલિમાં સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે, દેશમાં અગાઉ 1881 અને ત્યારબાદ છેલ્લે 1931માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. ગયા વર્ષે 30 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ વસ્તી ગણતરીમાં જાતિના સમાવેશને મંજૂરી આપી હતી.
વસ્તી ગણતરીની કામગીરી દેશના કેટલાક રાજ્યોમાં 5મી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે, જ્યારે દિલ્હીમાં તેનો પ્રથમ તબક્કો 16 એપ્રિલથી 15 મે સુધી ચાલશે. આ સમગ્ર મહાઅભિયાનમાં દેશભરમાં કુલ 30 લાખ ગણનાકાર અને સુપરવાઇઝરો જોડાશે. આધુનિકરણના ભાગરૂપે આ વખતે 1.3 લાખ કર્મચારીઓ ડિજિટલ ડિવાઇસથી સજ્જ હશે, જે ગણતરીની પ્રક્રિયાને ઝડપી બનાવશે. નોંધનીય છે કે, પ્રથમ તબક્કાની ગણતરી દરમિયાન નાગરિકોને તેમના પરિવાર અને રહેઠાણને લગતા કુલ 33 સવાલો પૂછવામાં આવશે.