દેશમાં હાલ હવામાનનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ રહી છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસું સમય પહેલાં દસ્તક આપવા તૈયાર થયું છે. સેટેલાઇટ તસવીરો (INSAT-3DS) મુજબ દેશમાં હાલમાં બે મોટી હવામાન પ્રણાલીઓ સક્રિય થઈ છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનો ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગે ત્રણેય રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સેટેલાઇટ ઈમેજરીમાં આ વિસ્તારો પર ઘેરાયેલા ઘનઘોર વાદળો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ભારે વરસાદ સાથે વીજળીના કડાકા, તેજ પવન અને કેટલાક પહાડી વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમ મેદાની હવા અને ઠંડી પહાડી હવાના ટકરાવને કારણે આ તોફાની સ્થિતિ સર્જાઈ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
બીજી તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ બની છે. સામાન્ય રીતે 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશતું ચોમાસું આ વર્ષે સમય પહેલાં જ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 26 મે આસપાસ કેરળમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ શકે છે. કેરળના દરિયાકાંઠે અને લક્ષદ્વીપ નજીક ઘાટા વાદળો જોવા મળી રહ્યા છે, જે દર્શાવે છે કે અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યા છે. IMD અનુસાર 28 મે થી 3 જૂન દરમિયાન કેરળમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે ઉત્તર અને દક્ષિણ ભારત વરસાદી માહોલ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે મધ્ય અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. ગુજરાત સહિત પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં હીટવેવ જેવી સ્થિતિ અનુભવાઈ રહી છે. જોકે હવામાન વૈજ્ઞાનિકોના મતે આ સ્થિતિ ઉનાળા અને ચોમાસા વચ્ચેના સંક્રમણ કાળની સામાન્ય નિશાની છે અને આગામી દિવસોમાં દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.