Advertisement

દેશ માટે લેવાશે કોઈ મોટો નિર્ણય? પીએમ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક શરૂ.

દેશ માટે લેવાશે કોઈ મોટો નિર્ણય? પીએમ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક શરૂ.

વૈશ્વિક સ્તરે, ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ઘેરાયેલા યુદ્ધના વાદળો અને તેની ભારત પર પડનારી સંભવિત અસરોની સમીક્ષા કરવા માટે આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિ (CCS - Cabinet Committee on Security) ની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદ સીસીએસની આ ત્રીજી બેઠક છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ પર કેટલી ગંભીરતાથી નજર રાખી રહી છે. આ હાઈલેવલ સુરક્ષા બેઠક સવારે ૧૧:૩૦ વાગ્યે યોજાનારી સામાન્ય કેબિનેટ બેઠક પહેલા મળશે. ત્યારબાદ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) ની પણ બેઠક યોજાશે, જેમાં દેશના અર્થતંત્ર અને સુરક્ષાને લગતા અનેક મોટા અને મહત્વના નિર્ણયો લેવાય તેવી પ્રબળ શક્યતાઓ છે.


આ અગાઉ ગત ૧ એપ્રિલના રોજ પણ પીએમ મોદીના નેતૃત્વમાં સીસીએસની વિશેષ બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સહિતના ટોચના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે બેઠકમાં પણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ અને વૈશ્વિક પરિદ્રશ્ય અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ભારતમાં પેટ્રોલિયમ પેદાશો, PNG અને LPG નો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે.


તાજેતરના મહિનાઓમાં પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને પગલે સરકાર દેશની ઉર્જા સુરક્ષાને લઈને કોઈ કચાશ છોડવા માંગતી નથી. આજની આ બેઠકમાં સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે ઉર્જા પુરવઠાની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી ખરીફ અને રવિ પાકની ઋતુઓને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે જરૂરી ખાતરની ઉપલબ્ધતા, પાવર પ્લાન્ટ્સમાં વીજ ઉત્પાદન માટે કોલસાના ભંડારની વર્તમાન સ્થિતિ અને કૃષિ ક્ષેત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટેના આગોતરા પગલાંઓની પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.


પશ્ચિમ એશિયાનો સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્રને પ્રભાવિત કરી રહ્યો છે, ત્યારે ભારત સરકાર કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે આ યુદ્ધની ભારતની આર્થિક સ્થિતિ પર પડનારી અસરોનું સચોટ મૂલ્યાંકન કરવું જરૂરી બન્યું છે. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દેશમાં વીજળી અને ખાદ્ય સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારનો ખતરો નથી. ભારત પાસે પૂરતા પ્રમાણમાં કોલસાનો બફર સ્ટોક ઉપલબ્ધ છે અને જરૂર પડે તો વૈકલ્પિક પુરવઠાની મજબૂત વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આ બેઠક મારફતે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્થિરતા જાળવવા માટે કટિબદ્ધ હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપી રહી છે.

Advertisement