ફરી એકવાર રાજ્યની દારૂબંધી પર સવાલો ઊભા થયા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છીણી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 17 લાખ 80 હજાર રૂપિયાથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.
SMCની ટીમે ધાનસેર ફળિયામાં આવેલા મકાન અને દુકાન પર કાર્યવાહી કરી હતી. અહીંથી 1,776 વિદેશી દારૂની બોટલો, 175 લીટર દેશી દારૂ, 1,800 લીટર વોશ, ત્રણ મોબાઇલ અને બે વાહનો મળી આવ્યા છે.
આ કેસમાં અમિત ચંદુભાઈ પટેલ અને નટવરભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દમણથી દારૂ સપ્લાય કરનાર વિશાલ સૈલર અને સાગર પાટીલ સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ સૌથી મોટો પ્રશ્ન ફરી સામે આવ્યો છે—જો રાજ્યમાં દારૂબંધી એટલી કડક છે, તો લાખો રૂપિયાનો દારૂ રાજ્યમાં પહોંચે કેવી રીતે?
પોલીસ હવે સમગ્ર નેટવર્કની તપાસમાં લાગી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.