ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વસંત પંચમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે રણછોડરાયજી ભગવાનને શણગાર આરતી સમયે સફેદ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા અને કંકુ તિલક કરી વસંત પંચમીની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.
વસંત પંચમીથી લઈને હોળીની પૂનમ સુધી એટલે કે આવતા 40 દિવસ સુધી ઠાકોરજી રોજ સફેદ વસ્ત્રોમાં દર્શન આપશે. આ દરમ્યાન ભગવાન ભક્તો સાથે સોના-ચાંદીની પિચકારી, અબીલ, ગુલાલ, ચંદન સહિત વિવિધ રંગોથી ફાગણ રમશે.
વસંત પંચમીથી ઠાકોરજીને હોળીની પૂનમ સુધી ધાણી, ચણા અને ખજૂરનો નૈવેદ્ય ધરાવવામાં આવશે. વસંત પંચમીના દિવસે શણગાર આરતી દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ડાકોર મંદિરે ઉમટી પડ્યા હતા. મંદિરના સેવકો દ્વારા અબીલ-ગુલાલની છોળો ઉડાડતા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.
દોલોત્સવના દિવસે ઠાકોરજીને ધરાવાશે શ્રીખંડ
રણછોડરાયજી મંદિરમાં બિરાજમાન ગોપાલ લાલજી મહારાજને ધુળેટીના દિવસે હિંડોળા પર બિરાજમાન કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ભક્તો સાથે ધુળેટીનું પર્વ ઉજવે છે. હિંડોળા પર બિરાજમાન થયા બાદ ઠાકોરજીને સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રીખંડનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે.