Advertisement

ડાકોર મંદિરમાં દર્શન દરમિયાન ઝઘડો: દક્ષિણા મુદ્દે ભક્ત અને તિલક કરનાર આમને-સામને

ડાકોર મંદિરમાં દર્શન દરમિયાન ઝઘડો: દક્ષિણા મુદ્દે ભક્ત અને તિલક કરનાર આમને-સામને


સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરમાં દક્ષિણા મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘટના ચર્ચાનો વિષય બની છે. મંદિર પરિસરમાં દર્શનાર્થે આવેલા એક ભક્ત પરિવાર અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે થયેલા વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચર્ચા જગાવી છે. વીડિયોમાં બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને ઉગ્ર બોલાચાલી જોવા મળે છે.


મળતી માહિતી મુજબ, એક ભક્ત પોતાના પરિવાર સાથે ઠાકોરજીના દર્શન કરવા ડાકોર આવ્યા હતા. મંદિરની બહાર તિલક કરનાર એક વ્યક્તિએ તેમને તિલક કર્યું હતું. ત્યારબાદ દક્ષિણા આપવા મુદ્દે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની ગયો હતો. બંને વચ્ચેનો ઝઘડો મંદિરની બહારથી શરૂ થઈને મંદિરના અંદરના પરિસર સુધી પહોંચી ગયો હતો, જ્યાં પણ ભારે બોલાચાલી થઈ હતી. ભક્ત પરિવારનો આક્ષેપ છે કે તિલક કરનાર વ્યક્તિએ તેમના સાથે અશોભનીય વર્તન કર્યું હતું.


આ સમગ્ર ઘટનાનો વીડિયો ભક્ત દ્વારા મોબાઇલમાં કેદ કરવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મામલો વધુ બિચકતા ભક્તે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. માહિતી મળતા જ 112ની પોલીસ ટીમ તાત્કાલિક મંદિર પરિસરમાં પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની વાત સાંભળી તિલક કરનાર વ્યક્તિને અટકાયતમાં લઈ પોલીસ મથકે લઈ ગઈ હતી.


મંદિરના ઈન્ચાર્જ મેનેજરના જણાવ્યા અનુસાર, તિલક અને દક્ષિણા મુદ્દે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડતા-ઝઘડતા તેઓ મંદિરની અંદર આવ્યા હતા. બાદમાં ભક્ત દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવી અને તિલક કરનાર વ્યક્તિને પોતાની સાથે લઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલુ છે.

Advertisement