આણંદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વસ્તી ગણતરી ૨૦૨૭ અન્વયે તા.૧૭ મે ૨૦૨૬ના રોજથી સ્વગણતરીનો સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
આ વસ્તી ગણતરી ૨૦૨૭ અન્વયે સ્વ-ગણતરીમાં ભાગ લઈ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના દંતાલી ગામે આવેલ આશ્રમના 95 વર્ષીય પહ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ જિલ્લાના તમામ નાગરિકોને પણ સહભાગી થવા અનુરોધ કર્યો છે.
સ્વામી શ્રી સચ્ચિદાનંદજી એ તારીખ ૧૭ મે ૨૦૨૬ થી તારીખ ૩૧ મે,૨૦૨૬ દરમિયાન યોજાનારી વસ્તી ગણતરી અનવ્યે દેશના લોકશાહી માળખાનું વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થઈ શકે તે માટે આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં નાગરિકોએ પોતાની ઓળખ, જન્મસ્થળ અને રહેઠાણ જેવી વિગતોની સાચી માહિતી આપીને સરકારી કર્મચારીઓને સહકાર આપવો અનિવાર્ય છે તેમ જણાવી સ્વગણતરી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે.
સ્વામીજી એ ઘણા વર્ષો પછી આટલી વિસ્તૃત વિગતો સાથે આ ગણતરી થતી હોવાથી, દરેક વ્યક્તિએ આ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય યોગદાન આપવું જોઈએ તેમ જણાવ્યુ છે. નાગરિકોને સ્વ-ગણતરી પોર્ટલનો ઉપયોગ કરીને પોતાની માહિતી જાતે ભરવા અને સરકારી કર્મચારીઓને સચોટ માહિતી આપીને સહયોગ કરવા પર ભાર મૂકયો છે.
વસ્તી ગણતરીની આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થયેલી સચોટ વિગતો સરકારને ભવિષ્યમાં નિર્ણાયક અને સચોટ નીતિઓ ઘડવામાં મદદરૂપ થશે તેમ જણાવી સ્વામીજીએ દરેક નાગરિકને પોતાની તમામ વિગતો તૈયાર રાખીને વહીવટીતંત્રને પૂરેપૂરો સહયોગ આપવા નમ્ર અપીલ કરી છે. તેમજ તેમણે જાતે પણ પોતાના મોબાઇલ ફોના મારફતે સ્વ ગણતરી પોર્ટલનો ઉપયોગ કરીને પોતાની તમામ માહિતી પોર્ટલમા ભરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી-૨૦૨૭ સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. તા.૩૧-૦૫-૨૦૨૬ સુધીના નિર્ધારિત સમયગાળામાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.
નોંધનીય છે કે, તા.૧ જૂન થી તા.૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ દ્વારા ઘરે-ઘર જઈ માહિતી એકત્રિત કરવામાં આવશે. નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે, તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.