Advertisement

CVM યુનિવર્સિટીનો ક્રાંતિકારી નિર્ણય: તેજસ્વી પણ આર્થિક નબળા વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાનું હવે ‘તદ્દન મફત’

CVM યુનિવર્સિટીનો ક્રાંતિકારી નિર્ણય: તેજસ્વી પણ આર્થિક નબળા વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાનું હવે ‘તદ્દન મફત’

વલ્લભ વિદ્યાનગર: ચારુતર વિદ્યામંડળ (CVM) અને સી.વી.એમ. યુનિવર્સિટી દ્વારા ધોરણ-૧૨ના પરિણામો જાહેર થતાની સાથે જ એક અત્યંત પ્રેરણાદાયી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્થાના આદ્યસ્થાપકો ભાઈકાકા અને ભીખુભાઈ સાહેબના 'શિક્ષણ દ્વારા સમાજ ઉત્થાન'ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ અને મંડળના હોદ્દેદારોએ જાહેરાત કરી છે કે, આર્થિક તંગીના કારણે હવે કોઈ પણ પ્રતિભાશાળી વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેશે નહીં. જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨માં ઝળહળતી સફળતા મેળવી છે પરંતુ પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે હોસ્ટેલ અને જમવાનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી, તેમને સી.વી.એમ. સંચાલિત હોસ્ટેલોમાં રહેવા તેમજ જમવાની (Lodging & Boarding) તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ આર્થિક ચિંતા મુક્ત બની માત્ર પોતાના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી દેશનું નામ રોશન કરે.


આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨ની માર્કશીટ અને આવકના દાખલા જેવા જરૂરી દસ્તાવેજો સાથે સી.વી.એમ. યુનિવર્સિટી કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. સંસ્થાની વિશેષ સમિતિ દ્વારા યોગ્યતાની ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ત્વરિત પ્રવેશ આપવામાં આવશે. ‘જય સરદાર, જય વલ્લભ વિદ્યાનગર’ના મંત્ર સાથે લેવાયેલા આ માનવતાવાદી નિર્ણયને શિક્ષણવિદો, ગવર્નિંગ બોડીના સભ્યો અને વાલીઓએ મુક્ત કંઠે બિરદાવ્યો છે. આ પહેલ દ્વારા સી.વી.એમ. યુનિવર્સિટીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર ડિગ્રી આપતું શિક્ષણધામ નથી, પરંતુ સામાજિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પણ સદાય અગ્રેસર રહેતી સંસ્થા છે.

Advertisement