CM ઓફિસ સહિત ત્રણ મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી, શહેરમાં હાઈ એલર્ટ

CM ઓફિસ સહિત ત્રણ મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી, શહેરમાં હાઈ એલર્ટ

ગાંધીનગર અને અમદાવાદમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ મહત્ત્વના સરકારી અને જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કેટલાક અજાણ્યા તત્વો દ્વારા અલગ-અલગ ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં ચોક્કસ સમયનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી કાર્યાલય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય કચેરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની કચેરીને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.


મળતી માહિતી અનુસાર, ધમકીભર્યા ઈ-મેલમાં મુખ્યમંત્રી કાર્યાલયને બપોરે 1:11 વાગ્યે, AMCની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બપોરે 3:11 વાગ્યે અને RSSની કચેરીને સાંજે 5:11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળતાં જ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.


ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને AMCની મુખ્ય ઓફિસને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરના સંવેદનશીલ વિસ્તારો તેમજ જાહેર સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.


આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સાયબર ક્રાઈમની વિશેષ ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. ધમકીભર્યા ઈ-મેલ કયા સોર્સમાંથી મોકલવામાં આવ્યા છે અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઈ-મેલ આઈડી અને IP એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.