ખેડા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે, કારણ કે ભાજપના કદાવર નેતા વિપુલ પટેલે જાહેરમાં રાજકારણ દરમિયાન નાણાં કમાવ્યાનું સ્વીકાર્યું છે. નડિયાદમાં યોજાયેલા એક સમારંભમાં આપેલું તેમનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે.
વિપુલ પટેલે મંચ પરથી કહ્યું કે તેમણે છાતી ઠોકીને રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને મહામંત્રી જેવા મહત્વના પદો પર રહી ચૂકેલા નેતાના આવા નિવેદનથી હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તેમની લાંબી રાજકીય કારકિર્દી અને સહકારી ક્ષેત્રમાં મજબૂત પકડ હોવા છતાં, જાહેર મંચ પરથી આ પ્રકારનું નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ખાસ કરીને ચૂંટણી પહેલા આ મુદ્દો વિરોધ પક્ષ માટે મહત્વનો બની શકે છે.
આ નિવેદનને લઈને લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક તેને નિર્ભય સ્વીકાર ગણાવે છે, જ્યારે અન્ય લોકો રાજકારણમાં પારદર્શકતા અને નૈતિકતા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. આગામી સમયમાં પક્ષ તરફથી શું પ્રતિસાદ આવે છે તે પર સૌની નજર છે.