સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. દિલ્હી અને સુરત વચ્ચે ચાલી રહેલા 'પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ'નો પર્દાફાશ કરીને પોલીસે આંગડિયા મારફતે મોકલવામાં આવતા લાખો રૂપિયાના વ્યવહારો શોધી કાઢ્યા છે. આ મામલે દિલ્હીના પૂર્વ મંત્રીના નજીકના ગણાતા શખ્સો અને સુરતના હેન્ડલરો સામે તપાસ તેજ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા પાંચ-છ મહિનામાં અંદાજે 1.25 કરોડ રૂપિયા દિલ્હીથી આંગડિયા મારફતે સુરત મોકલવામાં આવ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર અને નેતા સુરેન્દ્ર ભારદ્વાજના વિશ્વાસુ ગણાતા હિમાંશુ પાહુજા દ્વારા આ રકમ મોકલવામાં આવતી હતી. સુરતમાં આ રકમ મેળવનાર (રિસીવર) તરીકે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીની સંડોવણી સામે આવી છે.
પકડાયેલ આરોપી આકાશ મિશ્રા મૂળ સુરતનો જ છે, પરંતુ તે અગાઉ દિલ્હીમાં સ્થાયી થયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે તે દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના P.A. તરીકે કામ કરી ચૂક્યો છે. આ કનેક્શનને કારણે જ તે પોલિટિકલ ફંડિંગના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં મહત્વની કડી હોવાનું મનાઈ રહ્યું છે.
પોલીસને બાતમી મળી હતી કે ગત 10મી એપ્રિલના રોજ મહિધરપુરાની એક આંગડિયા પેઢી મારફતે 19 લાખ રૂપિયા સુરત મોકલાવ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસને દ્રઢ શંકા છે કે આ હવાલાના નાણાંનો ઉપયોગ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને રીઝવવા કે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થવાનો હતો.
માત્ર એક જ નહીં, પરંતુ સુરતની અલગ-અલગ આંગડિયા પેઢીઓ મારફતે આ રીતે ફંડ આવ્યું હોવાની આશંકાને પગલે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. આ મામલાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા ઇન્કમટેક્સ (આયકર) વિભાગને પણ જાણ કરવામાં આવી છે, જેથી નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ થઈ શકે.