આણંદ: આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે વહેલી સવારથી જ પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીમાં અંદાજે 2.45 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 306 મતદાન મથકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં વહીવટી તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારથી જ વિવિધ બુથો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અત્યાર સુધી સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા સુરક્ષા અને પારદર્શિતા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમરેઠ બેઠકના તમામ 100 ટકા બુથ પર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેના માટે કંટ્રોલ રૂમ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. કુલ મતદાન મથકો પૈકી 60 બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે, જ્યારે 33 બુથ પર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) તૈનાત છે. ખાસ કરીને 105 અશક્ત અને વયોવૃદ્ધ મતદારો માટે હોમ વોટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. મતદાન દરમિયાન ટેકનિકલ ખામીને કારણે 5 ઈવીએમ (EVM) રિપ્લેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કાળઝાળ ગરમી અને હિટવેવને ધ્યાને રાખીને તમામ મથકો પર પીવાનું પાણી, શેડ અને પાયાની તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે આજે સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પૂર્વે તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને ભાવપૂર્વક અંજલિ આપી હતી અને ભગવાનના દર્શન કર્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના પિતાની લોકસેવાની પરંપરાને જાળવી રાખશે અને ઉમરેઠના જે પણ પ્રશ્નો છે, ખાસ કરીને જીઆઈડીસીમાં ઉદ્યોગો લાવવા બાબતે પ્રાથમિકતા આપશે. બીજી તરફ, ચીખોદરમાં એનસીપી (NCP) ના નેતા જયંત બોસ્કીએ પણ વહેલી સવારે મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ચૂંટણી ઓબ્ઝર્વર દ્વારા પણ વિવિધ બુથોની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાની રેન્જમાં જ કતારો જળવાય તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.