આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને અનુલક્ષીને ઉમરેઠના ઓડ બજાર સ્થિત નાસિક વાળા હોલ ખાતે કોંગ્રેસ દ્વારા એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ સભામાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. સભા દરમિયાન નેતાઓએ પ્રાસંગિક ઉદ્બોધન આપી ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી અને મોંઘવારી તેમજ સ્થાનિક પ્રશ્નો મુદ્દે જનતાનો અવાજ બુલંદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહીડા અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી કાર્યકરોમાં જોમ પૂર્યું હતું. આણંદ જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢિયાર અને કાર્યકારી પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. વક્તાઓએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા માટે હાકલ કરી હતી. કાર્યક્રમના સમાપન બાદ તમામ આગેવાનો અને કાર્યકરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિશાળ જનસભાને પગલે ઉમરેઠના રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.