Advertisement

ચૂંટણી એલર્ટ: ગુજરાતની 15 મનપા અને પંચાયતોની ચૂંટણી જાહેર, આજથી જ આચારસંહિતા અમલી.

ચૂંટણી એલર્ટ: ગુજરાતની 15 મનપા અને પંચાયતોની ચૂંટણી જાહેર, આજથી જ આચારસંહિતા અમલી.

ગાંધીનગર: ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9,992 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે. આ જાહેરાતની સાથે જ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નોંધનીય છે કે, નવી OBC અનામત નીતિ લાગુ થયા બાદ યોજાનારી આ પ્રથમ મોટી ચૂંટણી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર છે.


ચૂંટણી પ્રક્રિયાનું સમયપત્રક

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 6 એપ્રિલના રોજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ રહેશે, જ્યારે 13 એપ્રિલે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચવા માંગતા હોય તેઓ 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકશે. ત્યારબાદ, 26 એપ્રિલે સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી EVM દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જો કોઈ કારણસર પુનઃ મતદાનની જરૂર પડશે તો તે 27 એપ્રિલે યોજાશે અને અંતે 28 એપ્રિલના રોજ મતગણતરી સાથે પરિણામો જાહેર કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવાનું આયોજન છે.


બેઠકોનું ગણિત અને સીમાંકન

આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ વિશાળ સ્તરે ખેલાવાનો છે. કુલ 9,992 બેઠકોમાં મહાનગરપાલિકાઓની 1,044 બેઠકો, નગરપાલિકાઓની 2,624 બેઠકો, જિલ્લા પંચાયતની 1,090 બેઠકો અને તાલુકા પંચાયતની 5,234 બેઠકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની તમામ 15 મનપામાં ચૂંટણી યોજાશે. આ ઉપરાંત, 24 જિલ્લા પંચાયતો અને 53 તાલુકા પંચાયતોમાં સીમાંકન ફેરફાર સાથે નવી વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે, જ્યારે 7 નવી નગરપાલિકાઓનો પણ આ પ્રક્રિયામાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે.


4.18 કરોડ મતદારો નક્કી કરશે ભવિષ્ય

રાજ્યના આંકડાકીય સમીકરણો પર નજર કરીએ તો, આ ચૂંટણીમાં અંદાજિત 4 કરોડ 18 લાખ 87 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર ઠર્યા છે. જેમાં 2.16 કરોડ પુરુષ અને 2.02 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. વિસ્તાર મુજબ જોઈએ તો, ગ્રામીણ ક્ષેત્રમાં (તાલુકા અને જિલ્લા પંચાયત) સૌથી વધુ 2.75 કરોડ મતદારો છે, જ્યારે મનપા વિસ્તારોમાં 1.10 કરોડ અને નગરપાલિકા વિસ્તારોમાં 33.66 લાખ મતદારો છે. 17 ફેબ્રુઆરીની નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાનારી આ ચૂંટણીમાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Advertisement