ચરોતરના ખેડૂતો માટે રાહતના સમાચાર…

ચરોતરના ખેડૂતો માટે રાહતના સમાચાર…

વરસાદ ખેંચાતા બળી રહેલા પાકને હવે નર્મદાના પાણીનું જીવતદાન મળશે!

આણંદ અને ખેડા જિલ્લામાં અંદાજે 2.10 લાખ હેક્ટરમાં વાવેલા ડાંગર, બાજરી અને શાકભાજીના પાકને અંતિમ પિયતની જરૂરિયાત ઊભી થઈ છે. સાથે જ હાલ તમાકુની રોપણી માટે પણ સિંચાઈના પાણીની ખાસ જરૂરિયાત છે.

વરસાદ ખેંચાતા ખેતરોમાં ભેજ ઘટી રહ્યો હતો અને અસહ્ય ગરમીના કારણે પરિપક્વ અવસ્થામાં રહેલા પાકને નુકસાન થવાની ભીતિ હતી. ખેડૂતોની આ મુશ્કેલીને ધ્યાને લઈને કિસાન સંઘ દ્વારા કેનાલમાં પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી હતી.

જે બાદ હવે નર્મદા ડેમમાંથી 4500 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. ઠાસરા નજીક પડાલ પાસેથી મહી કેનાલમાં આ પાણી છોડવામાં આવ્યું છે, જે આગામી 24 કલાકમાં વિવિધ વિસ્તારો સુધી પહોંચશે.

આ પાણીથી ચરોતરના 1.50 લાખથી વધુ ખેડૂતોને લાભ મળવાની શક્યતા છે.

બીજી તરફ, વણાકબોરી ડેમમાં હાલ આશરે 60 ટકા જ પાણીનો જથ્થો હોવાથી તેનો ઉપયોગ મુખ્યત્વે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યો છે. જેના કારણે ખેતી માટે નર્મદા કેનાલના પાણી પર નિર્ભરતા વધી છે.

ખાસ કરીને તમાકુની રોપણી વચ્ચે નર્મદાનું પાણી મળતા ખેડૂતોને મોટી રાહત મળવાની છે.