ચરોતરમાં છેલ્લા ચાર દિવસમાં પડેલા વરસાદે ચોમાસું પાકને તો જીવતદાન આપી દીધું, પરંતુ હવે તળાવો ખાલી રહેતા આગામી ઉનાળા માટે ચિંતા ઊભી થઈ છે!
ચરોતરમાં છેલ્લા પાંચેક વર્ષથી સરેરાશ 150 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે પણ રાજ્યમાં અલ નીનોની અસર હોવા છતાં ચરોતરમાં અત્યાર સુધીમાં આશરે 110 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
જુલાઈના અંત સુધીમાં જ લગભગ 80 ટકા વરસાદ પડી ગયો હતો. જેના કારણે ડાંગર સહિતના ચોમાસું પાકને શરૂઆતમાં સારો આધાર મળ્યો.
પરંતુ ઓગસ્ટથી વરસાદે લાંબો વિરામ લીધો. ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી એટલે કે 34 દિવસ વરસાદ ખેંચાતા, સાથે ગરમીનો પારો ઊંચો રહેતા 13 સપ્ટેમ્બર સુધીમાં મોટાભાગના તળાવોમાં રહેલા પાણીમાંથી આશરે 70 ટકા પાણી બાષ્પીભવન થઈ ગયું અને અનેક તળાવોમાં માત્ર તળિયા દેખાવા લાગ્યા.
આ સ્થિતિ વચ્ચે 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ 4 ઇંચ વરસાદ પડ્યો અને ચરોતરના પાકને ફરીથી રાહત મળી.
પરંતુ વરસાદના આ ચાર દિવસ બાદ ચિત્ર એવું છે કે આશરે 300 તળાવો ઓવરફ્લો થયા છે, જ્યારે ચરોતરના બાકીના આશરે 1800 તળાવોમાં માત્ર 30થી 40 ટકા જેટલો પાણીનો સંગ્રહ હોવાનું સામે આવ્યું છે.
એટલે કે વરસાદ આવ્યો, પાક બચ્યો… પરંતુ તળાવો ભરાયા નહીં!
ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં સૌથી વધુ 68 ઇંચ, જ્યારે ફાગવેલમાં સૌથી ઓછો 13 ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં બોરસદમાં સૌથી વધુ 42 ઇંચ, જ્યારે આંકલાવમાં સૌથી ઓછો 22 ઇંચ વરસાદ નોંધાયો છે.
ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખંભાત, માતર, તારાપુર, આંકલાવ, ફાગવેલ, ગળતેશ્વર અને ઠાસરા સહિતના વિસ્તારોમાં ચોમાસું પાક પર અસરનો ખતરો ઊભો થયો હતો. અંદાજે 1 લાખથી વધુ હેક્ટર વિસ્તારના પાક પર સંકટ તોળાઈ રહ્યું હતું. જોકે સપ્ટેમ્બરના વરસાદથી પાકને રાહત મળી છે અને જમીનમાં ભેજ વધતા આગામી સિઝનને પણ તેનો લાભ મળી શકે છે.
પરંતુ હવે સૌથી મોટો સવાલ છે ઉનાળાના પાણીનો!
ખંભાત, તારાપુર, માતર, કઠલાલ, કપડવંજ, ફાગવેલ અને ગળતેશ્વર તાલુકાના 1200થી વધુ તળાવોમાં હાલ પાણીનું પ્રમાણ ઓછું હોવાનું જણાવાઈ રહ્યું છે.
ખંભાતમાં તો દર વર્ષે ઘેર-ઘેર વરસાદી પાણી સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા કુવાઓ પણ મેઘા નક્ષત્રમાં પૂરતો વરસાદ ન પડતા ખાલી રહ્યા છે.
જો તળાવો આ રીતે અધૂરા ભરાયેલા રહેશે તો ઉનાળામાં પાણીના સ્તર પર તેની સીધી અસર પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં જમીનની અંદર પાણીનું સ્તર 20થી 60 ફૂટ સુધી નીચે જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ખંભાત, તારાપુર, કપડવંજ અને કઠલાલમાં આ સ્તર 100 ફૂટ સુધી નીચે જવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
એટલે ચરોતરમાં આ વખતે સવાલ માત્ર એટલો નથી કે કેટલો વરસાદ પડ્યો… સવાલ એ છે કે પડેલા વરસાદમાંથી કેટલું પાણી તળાવો અને જમીનમાં ટક્યું?
કારણ કે ચોમાસું પૂરું થવા આવે અને તળાવો અધૂરા રહે, તો તેની અસર ફેબ્રુઆરીથી જ ચરોતરના પાણી પર દેખાઈ શકે છે!