Advertisement

ચરોતરમાં અંગઝાળતી ગરમીની શરૂઆત: આણંદમાં પારો ૩૮ ડિગ્રીએ પહોંચ્યો, હજુ ગરમી વધશે.

ચરોતરમાં અંગઝાળતી ગરમીની શરૂઆત: આણંદમાં પારો ૩૮ ડિગ્રીએ પહોંચ્યો, હજુ ગરમી વધશે.

આણંદ: હોળી-ધૂળેટી પહેલા જ આણંદ અને ખેડા જિલ્લામાં ગરમીનું જોર વધ્યું છે. ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાવાને કારણે ચરોતરમાં તાપમાનનો પારો અચાનક ઉછળ્યો છે. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મહત્તમ તાપમાનમાં અઢી ડિગ્રીનો વધારો થતા સીઝનમાં પહેલીવાર પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેનાથી નગરજનો બપોરના સમયે અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે.


તાપમાનમાં કેમ થયો અચાનક વધારો?

હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ૧૫ થી ૨૦ કિમીની ઝડપે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે રાત્રિના તાપમાનમાં પણ ૩ ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેના કારણે હવે રાત્રે પણ ઠંડી ગાયબ થઈ છે અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આગામી ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાઈને દક્ષિણ તરફની થવાની સંભાવના છે, જેના પગલે આગામી સપ્તાહમાં તાપમાન ૪૦ ડિગ્રીની સપાટી વટાવી શકે છે.


ખેડૂતો માટે કૃષિ વૈજ્ઞાનિકોની મહત્વની સલાહ

ગરમીના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે:


કાપણી: તૈયાર થયેલા તમાકુ અને ઘઉંના પાકની તાત્કાલિક કાપણી કરી લેવી.

જમીન તૈયાર કરવી: પાક લીધા બાદ જમીનને ઓછામાં ઓછું એક સપ્તાહ સુધી ખુલ્લી રાખી તપવા દેવી, જેથી જમીનની ફળદ્રુપતા જળવાય.

ઉનાળુ પાક: જો પિયત (પાણી) ની પૂરતી સગવડ હોય, તો જ ઉનાળુ બાજરી અને ડાંગરની રોપણીનું આયોજન કરવું.

Advertisement