આણંદ: ગરમીનો પ્રકોપ ગુજરાતભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીની સીધી અસર હવે આણંદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આણંદ અને સમગ્ર ચરોતર પંથકમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમી ગરમ પવનોને કારણે આણંદ શહેરમાં તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
બપોરના સમયે આણંદ શહેરના મુખ્ય માર્ગો, રેલવે સ્ટેશન રોડ અને વલ્લભ વિદ્યાનગરના રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતી 'લૂ' ને કારણે લોકો બપોરે 12 થી 5 વાગ્યા દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ, છાશ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.
જ્યારે કચ્છ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' સાથે તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે, ત્યારે આણંદમાં પણ આગામી 48 કલાકમાં ગરમીમાં હજુ 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ભેજનું પ્રમાણ ઘટતા અને સૂકા પવનો વધતા હીટવેવની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
ચરોતરવાસીઓ માટે ખાસ એડવાઈઝરી
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે:
હાઇડ્રેટેડ રહો: ખેતીકામ કે મજૂરી કરતા શ્રમિકોએ સતત પાણી અને ઓઆરએસ (ORS) લેતા રહેવું.
બપોરનો સમય: બપોરે 12 થી 4 દરમિયાન કામ વગર બહાર ન જવું.
ખોરાક: વાસી ખોરાક ટાળવો અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું.