આણંદ જિલ્લાના ચિખોદરા ગામે ચરોતર ગેસની PNG ગેસ લાઈનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ભંડાર નજીક બનેલી આ ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો ભારે મારો ચલાવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચરોતર ગેસ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ગેસ સપ્લાયની લાઈન તાત્કાલિક બંધ કરી દેવામાં આવતા આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગ અને ગેસ કંપનીની સંયુક્ત અને ઝડપી કામગીરીના કારણે સમગ્ર સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.
આગની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. સમયસર લેવામાં આવેલા પગલાંના કારણે સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.