છઠ્ઠા નોરતે ગુજરાત ગરબામય બન્યું: અમદાવાદથી રાજકોટ સુધી ખેલૈયાઓની રમઝટ, સુરતમાં હર્ષ સંઘવીએ ગાયા ગરબા

છઠ્ઠા નોરતે ગુજરાત ગરબામય બન્યું: અમદાવાદથી રાજકોટ સુધી ખેલૈયાઓની રમઝટ, સુરતમાં હર્ષ સંઘવીએ ગાયા ગરબા

ગુજરાત: નવરાત્રિના છઠ્ઠા નોરતે ગુજરાતભરમાં ગરબાની ધૂમ જોવા મળી હતી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોમાં સોસાયટીઓથી લઈને મોટા પાર્ટી પ્લોટ સુધી ખેલૈયાઓએ ઢોલ-નગારાના તાલે ગરબે ઘૂમીને નવરાત્રિની ઉજવણી કરી હતી. વિવિધ ગરબા આયોજનોમાં પરંપરાગત પોશાક, અવનવા ગેટઅપ અને લોકસંગીત આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. બીજી તરફ, સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સતત બીજા દિવસે ગરબાનાં ગીતો ગાઈને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને માણસામાં ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

અમદાવાદમાં રાતલડી મંડળીના ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા

અમદાવાદમાં છઠ્ઠા નોરતે વિવિધ ગરબા આયોજનોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટ્યા હતા. રાતલડી મંડળીના ગરબામાં ઢોલના તાલે ખેલૈયાઓએ પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રિના રંગે રંગાયેલા ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી.

શહેરની વિવિધ સોસાયટીઓ અને પાર્ટી પ્લોટમાં પણ મોડીરાત સુધી ગરબાની ધૂમ જોવા મળી હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ અને ગુજરાતી લોકસંગીતના તાલે સર્જાયેલા માહોલે નવરાત્રિના ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો.

સુરતમાં હર્ષ સંઘવીએ સતત બીજા દિવસે ગરબા ગાયાં

સુરતમાં છઠ્ઠા નોરતે પણ ગરબાની ભારે રમઝટ જોવા મળી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સતત બીજા દિવસે ગરબાનાં ગીતો ગાઈને ખેલૈયાઓમાં ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ‘ડાકોરના ઠાકોર’ અને ‘વાલા આતો વાલપનું છે વ્હાલ’ જેવા ગરબાઓ ગાયા હતા.

આ ઉપરાંત, ડાકલાના તાલે યુવાનોએ પણ ઉત્સાહભેર ગરબા રમીને માહોલને ગરમાવ્યો હતો. સુરતનાં વિવિધ ગરબા સ્થળોએ પરંપરા અને આધુનિક આયોજનનો સંગમ જોવા મળ્યો હતો.

વડોદરામાં યુનાઇટેડ વે અને VNFમાં અવનવા ગેટઅપ આકર્ષણનું કેન્દ્ર

વડોદરામાં નવરાત્રિના છઠ્ઠા નોરતે જાણીતા યુનાઇટેડ વે અને VNF ગરબામાં ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગબેરંગી ચણિયા-ચોળી, કેડિયાં અને પરંપરાગત આભૂષણોથી સજ્જ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

અવનવા ગેટઅપમાં આવેલા ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઢોલના તાલ અને ગરબાનાં ગીતો સાથે સમગ્ર માહોલ નવરાત્રિના રંગમાં રંગાયો હતો.

રૂપાલમાં અમિત શાહે વરદાયિની માતાનાં દર્શન કર્યાં

નવરાત્રિ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલા વરદાયિની માતા મંદિરે પહોંચીને દર્શન-પૂજન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

રૂપાલમાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રિના પવિત્ર દિવસોમાં અમિત શાહની આ મુલાકાત ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહી હતી.

માણસામાં કુળદેવી બહુચરાજી માતાનાં દર્શન કરી પ્રાર્થના કરી

રૂપાલ બાદ અમિત શાહે માણસામાં પોતાની કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે સપરિવાર દર્શન કર્યાં હતાં. તેમણે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને આરતીમાં ભાગ લીધો હતો અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

એક તરફ ગુજરાતભરમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ સાથે નવરાત્રિની ઉજવણી કરી રહ્યા હતા, તો બીજી તરફ ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજન અને આરાધનાનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સાહ ચરમસીમાએ

છઠ્ઠા નોરતે રાજ્યનાં મુખ્ય શહેરોમાં ગરબા અને રાસની રમઝટે નવરાત્રિના ઉત્સાહને વધુ વેગ આપ્યો હતો. અમદાવાદમાં મંડળીના ગરબા, સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં ગીતો અને વડોદરામાં ખેલૈયાઓના અનોખા ગેટઅપ ચર્ચામાં રહ્યા હતા. સાથે જ રૂપાલ અને માણસામાં અમિત શાહની ધાર્મિક મુલાકાતોએ પણ ધ્યાન ખેંચ્યું હતું.

ગુજરાતભરમાં નવરાત્રિની ઉજવણી પરંપરા, ભક્તિ અને ઉત્સાહના સંગમ સાથે આગળ વધી રહી છે.