વલ્લભ વિદ્યાનગર સ્થિત Charotar University of Science and Technology દ્વારા “Shaping Smarter, Greener & Inclusive Societies” થીમ હેઠળ SustainX 2026 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન 30 એપ્રિલે GCET ઓડિટોરિયમ ખાતે થયું હતું. આ પ્રસંગે પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા અને તેમની સાથે માનદ સહમંત્રી મેહુલ પટેલ, પ્રોવોસ્ટ પ્રો. ડો. ઇન્દ્રજીત પટેલ તથા સેમકોમના પ્રિન્સિપાલ ડો. પ્રીતિ લુહાણા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સ્માર્ટ, ગ્રીન અને સર્વસમાવેશક સમાજ નિર્માણ માટે ટેકનોલોજી અને સંશોધનના મહત્ત્વ પર ભાર મૂકાયો હતો.
પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે જણાવ્યું કે AI આધારિત આ કોન્ફરન્સ સમયની જરૂરિયાત છે, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ નૈતિકતા અને જવાબદારી સાથે થવો જરૂરી છે. સહમંત્રી મેહુલ પટેલે ઉમેર્યું કે SustainX 2026 નૈતિક ઇનોવેશન, પારદર્શિતા અને જવાબદાર મેનેજમેન્ટ પર ભાર મૂકે છે અને ટેકનોલોજી, મેનેજમેન્ટ તથા સામાજિક વિજ્ઞાનને એકત્રિત કરીને ભવિષ્યના પડકારો માટે માર્ગ તૈયાર કરે છે. પ્રોવોસ્ટ ડો. ઇન્દ્રજીત પટેલે યુનિવર્સિટીના “જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન”ના આદર્શને ઉજાગર કરતાં આંતરશાખાકીય સંશોધનની મહત્વતા દર્શાવી હતી.
રજિસ્ટ્રાર પ્રો. ડો. સંદીપ વાલિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે AIના યુગમાં પણ માનવીય સ્પર્શનું મહત્વ અવિનાશી છે—રોબોટ દવા આપી શકે, પરંતુ લાગણી નહીં. ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સ વિશ્વભરના નિષ્ણાતોને એકત્રિત કરી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને અદ્યતન સંશોધન અને નવી વિચારધારાઓ સાથે જોડાવાની તક આપે છે. આ પહેલ દ્વારા યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે ટકાઉ વિકાસ અને નવીનતાના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહી છે.