Advertisement

ચારેબાજુ ઘેરાયા બાદ ખડગે નમ્યા! ગુજરાતીઓને 'અભણ' કહેવા બદલ માંગી માફી, કહ્યું- મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરાયા

ચારેબાજુ ઘેરાયા બાદ ખડગે નમ્યા! ગુજરાતીઓને 'અભણ' કહેવા બદલ માંગી માફી, કહ્યું- મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરાયા

નવી દિલ્હી : કેરલમ વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે ગુજરાતીઓને 'અભણ' ગણાવતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદને દેશભરમાં રાજકીય વંટોળ ઊભો કર્યો હતો. ચારેબાજુથી થતી તીખી આલોચના અને ગુજરાતીઓના રોષને જોતા આખરે મલ્લિકાર્જુન ખડગેએ નમતું જોખ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરીને પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા કરી છે કે તેમનો ઈરાદો ગુજરાતના લોકોનું અપમાન કરવાનો કે તેમની લાગણી દુભાવવાનો ક્યારેય નહોતો.


https://x.com/kharge/status/2041782307372347609?s=20


ખડગેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, કેરલમમાં આપેલા તેમના ચૂંટણી પ્રવચનના અંશોને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "ગુજરાતના લોકો પ્રત્યે મને હંમેશા સર્વોચ્ચ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે." ઉલ્લેખનીય છે કે, આગામી 9 એપ્રિલના રોજ કેરલમમાં મતદાન યોજાનાર છે, તે પહેલા ખડગેના આ નિવેદને ભાજપ સહિતના વિરોધ પક્ષોને મોટું હથિયાર આપી દીધું હતું, જેને શાંત પાડવા માટે કોંગ્રેસ અધ્યક્ષે આ માફીનામું જાહેર કર્યું હોવાનું મનાય રહ્યું છે.


આ વિવાદની શરૂઆત 5 એપ્રિલે થઈ હતી, જ્યારે એક સભાને સંબોધતા ખડગેએ કેરલમના લોકોની સરખામણી ગુજરાત સાથે કરતા કહ્યું હતું કે, "મોદીજી અને વિજયન (કેરલમના સીએમ) એવા લોકોને મૂર્ખ બનાવી શકે છે જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ કેરલમના શિક્ષિત લોકોને નહીં." આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર 'ગુજરાતી વિરોધી કોંગ્રેસ' જેવા ટ્રેન્ડ શરૂ થયા હતા અને ભાજપ-આપ સહિતના પક્ષોએ ખડગે પર પસ્તાળ પાડી હતી. વિરોધીઓએ તેને માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને પ્રજાનું અપમાન ગણાવ્યું હતું.


ભારત સરકારના આંકડાઓ અને ગુજરાતની વિકાસગાથાને ટાંકીને ભાજપના નેતાઓએ ખડગેના માનસિક સ્તર પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે, હવે ખડગેએ માફી માંગીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના આખરી પડાવમાં આ માફીનામું જનતાના રોષને શાંત કરવામાં કેટલું સફળ રહે છે. ગત 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા વિવિધ રાજકીય ઉતાર-ચઢાવ વચ્ચે આ નિવેદન કોંગ્રેસ માટે બેકફાયર સાબિત થઈ રહ્યું હતું, જેની નુકસાનીની ભરપાઈ કરવા માટે હાઈકમાન્ડ હરકતમાં આવ્યું છે.

Advertisement