ભારતની સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થયાત્રાઓમાંની એક એવી ચારધામ યાત્રા-2026નો પ્રારંભ થઈ ગયો છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ અક્ષય તૃતીયાના શુભ અવસરે ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં ખુલતા લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો છે. હિમાલયની ઉંચાઈઓ પર આવેલ આ પવિત્ર યાત્રા હિંદુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે, જેમાં યમુનોત્રી ધામ, ગંગોત્રી ધામ, કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામનો સમાવેશ થાય છે. માન્યતા મુજબ આ ચારધામની યાત્રા કરવાથી આત્મિક શાંતિ સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પરંપરા અનુસાર યાત્રાની શરૂઆત યમુનોત્રીથી થઈ ગંગોત્રી, કેદારનાથ અને અંતે બદ્રીનાથ સુધી પૂર્ણ થાય છે. યાત્રાના શેડ્યૂલ મુજબ યમુનોત્રી ધામ 19 એપ્રિલથી 11 નવેમ્બર સુધી, ગંગોત્રી ધામ 19 એપ્રિલથી 10 નવેમ્બર સુધી ખુલ્લું રહેશે, જ્યારે કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે અને 11 નવેમ્બર સુધી દર્શન માટે ઉપલબ્ધ રહેશે તેમજ બદ્રીનાથ ધામ 23 એપ્રિલથી 13 નવેમ્બર સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. ચારધામ યાત્રાના પ્રારંભ સાથે જ દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો વિશાળ પ્રવાહ ઉત્તરાખંડ તરફ વળી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચારધામ યાત્રા-2026નો ભવ્ય પ્રારંભ: ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં આનંદની લહેર