Advertisement

ચાંદખેડા કાંડ: ખીરું કે ખીચડી? બે માસૂમના મોતમાં નવી થિયરીથી તપાસ ગૂંચવાઈ

ચાંદખેડા કાંડ: ખીરું કે ખીચડી? બે માસૂમના મોતમાં નવી થિયરીથી તપાસ ગૂંચવાઈ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ખીરું ખાધા બાદ બંને બાળકીઓના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી, પરંતુ હાલ કેસમાં નવી નવી થિયરીઓ સામે આવતા તપાસ વધુ જટિલ બની રહી છે.


પોલીસ તપાસ દરમિયાન FSL અને બ્લડ સેમ્પલના રિપોર્ટ પ્રાપ્ત થયા છે, પરંતુ હજી સુધી તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI મુજબ, રિપોર્ટ હાલ ડોક્ટરોને સોંપવામાં આવશે અને PM રિપોર્ટ સાથે તમામ પાસાઓનું વિશ્લેષણ કર્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. પોલીસએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ઝેર અથવા અન્ય કોઈ કારણ અંગે નિશ્ચિત રીતે કંઈ કહી શકાય તેમ નથી.


આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૃતક બાળકીઓના માતા-પિતાની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન માતા-પિતાના નિવેદનોમાં ફેરફાર જોવા મળ્યો છે, જેમાં પહેલા ખીરું ખાધાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે હવે ખીચડી અને ચોકલેટ ખાધી હોવાની વાત પણ સામે આવી રહી છે. આ વિસંગતતાઓને કારણે તપાસ વધુ ગંભીર બની છે.


તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી પણ મળી આવી છે, જેમાં ‘પુત્ર પ્રાપ્તિ’ અંગે લખાણ નોંધાયું હતું. આ મુદ્દે માતા ભાવનાબેને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, દીકરી બાદ દીકરો થાય તેવી સામાન્ય ઈચ્છા હતી અને તેને કોઈ અંધશ્રદ્ધા અથવા શંકાસ્પદ દિશામાં જોવાની જરૂર નથી.


હાલમાં સમગ્ર કેસમાં ડોક્ટરોના અંતિમ અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે, જે સોમવાર અથવા મંગળવાર સુધીમાં સામે આવી શકે છે. ત્યારબાદ જ મોતનું સાચું કારણ અને સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થવાની શક્યતા છે.

Advertisement