વલ્લભ વિદ્યાનગરની સીવીએમ યુનિવર્સિટી ખાતે 39મા આંતર-યુનિવર્સિટી પશ્ચિમ ઝોન યુવા મહોત્સવ ‘પશ્ચિમાંચલ-2026’નો શુભારંભ થયો છે. આ મહોત્સવમાં ગુજરાત અને રાજસ્થાનની 32થી વધુ યુનિવર્સિટીઓના 1597 યુવા કલાકારો ભાગ લઈ રહ્યા છે.મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જાણીતા અભિનેતા મનોજ જોશીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતની સંસ્કૃતિ માત્ર પરંપરા નહીં, પરંતુ વિશ્વની શ્રેષ્ઠ વિરાસત છે.
જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે, "સંસ્કૃતિ વગરનો દેશ ગીધ જેવો છે" અને કલા જ મનુષ્યને પશુ બનતા રોકે છે. તેમણે સરદાર પટેલ અને ભાઈકાકાના રાષ્ટ્ર નિર્માણના વિઝનને યાદ કરીને વિદ્યાર્થીઓને આવા યુથ ફેસ્ટિવલમાંથી જ પોતાની કારકિર્દી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
મનોજ જોશી, સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવનો શુભારંભ કરાયો હતો. આ ઉત્સવનું આયોજન એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) દ્વારા કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલે આ આયોજનને ‘એક ભારત - શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મજબૂત કરનારો અવસર ગણાવ્યો હતો. આ પાંચ દિવસીય મહોત્સવ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં લોકનૃત્ય, થિયેટર અને સંગીત સહિત 28 જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
માનદ સહમંત્રી મેહુલ પટેલે આણંદમાં આવા સ્તરની ઇવેન્ટ યોજાવાને ગૌરવપૂર્ણ ગણાવ્યું હતું. પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજિત પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. સંદીપ વાલિયાના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ યુવા પ્રતિભાઓ માટે કારકિર્દીનું પ્રથમ પગથિયું સાબિત થશે.