બર્ગર ખાવા ગયા હતા… પણ નજર પડી ટેબલ પર દોડતા ઉંદરો પર!
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જાણીતા મેકડોનાલ્ડ્સ સ્ટોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખળભળાટ મચ્યો છે.
વીડિયોમાં ગ્રાહકો માટેના ડાઇનિંગ એરિયામાં ટેબલ અને ખુરશીઓની આસપાસ બે ઉંદરો બિન્દાસ દોડતા જોવા મળે છે.
એટલું જ નહીં, વીડિયોમાં પાછળ McCaféનું બોર્ડ અને મેનુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ગ્રાહક દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોએ સ્ટોરની હાઈજીન વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.
વીડિયો સામે આવતા જ આરોગ્ય વિભાગની ટીમ સ્ટોર પર પહોંચી અને તપાસ હાથ ધરી.
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, મેનેજરે ઉંદરો બાજુની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આવ્યા હોવાનું જણાવ્યું હતું.
જોકે તપાસ દરમિયાન કિચનમાં કોઈ બેદરકારી મળી ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેમ છતાં હાઈજીન અંગેની બેદરકારી બદલ માલિકને ₹3,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા પ્રમાણે, ફૂડ વિભાગે રો-મટિરિયલના બે સેમ્પલ પણ લીધા છે.
હવે સેમ્પલના રિપોર્ટ બાદ જો કોઈ ગેરરીતિ સામે આવશે તો નિયમ મુજબ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
પરંતુ સવાલ એ છે કે—
ગ્રાહકો જ્યાં બેસીને ખોરાક ખાય છે, એ જ જગ્યાએ ઉંદરોની અવરજવર કેવી રીતે થઈ?
કારણ કે ફૂડ બિઝનેસમાં માત્ર કિચનની સ્વચ્છતા જ નહીં, પરંતુ ગ્રાહકો માટેનો સમગ્ર ડાઇનિંગ વિસ્તાર પણ હાઈજીનનો મહત્વનો ભાગ છે.
અને આ પહેલીવાર નથી કે મેકડોનાલ્ડ્સ આઉટલેટને લઈને વિવાદ સામે આવ્યો હોય.
અગાઉ યાજ્ઞિક રોડના રિલાયન્સ મોલ સ્થિત મેકડોનાલ્ડ્સમાં વેજ ઓર્ડરના બદલે નોનવેજ ફૂડ પીરસવાના આક્ષેપો બાદ પણ વિવાદ થયો હતો.
હાલ ગ્રીનલેન્ડ ચોકડીના આ મામલે સેમ્પલના રિપોર્ટ બાદ આગળ શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર છે.