Advertisement

Breaking News: હવે ઉમેદવાર સામે જ થશે EVMની તપાસ, હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

Breaking News: હવે ઉમેદવાર સામે જ થશે EVMની તપાસ, હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય


ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. મુંબઈની ચાંદીવલી વિધાનસભા બેઠકના વિવાદ બાદ હાઈકોર્ટે હારેલા ઉમેદવારની હાજરીમાં EVM મશીનોની ટેકનિકલ તપાસ કરવાનો મહત્વનો આદેશ આપ્યો છે. ભારતમાં જ્યારે થી ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધી પરિણામો જાહેર થયા પછી મશીનોની ટેકનિકલ તપાસ કરવાની કોઈ પરંપરા નહોતી. પરંતુ હવે મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ સોમશેખર સુંદરેસને આ મામલે મોટો નિર્ણય આપી નવી પરંપરાની શરૂઆત કરી છે.


માહિતી મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાનની હાજરીમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ના એન્જિનિયરો દ્વારા EVM મશીનોની તપાસ કરવામાં આવશે. નસીમ ખાન મુંબઈની ચાંદીવલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર દિલીપ લાંડે સામે ચૂંટણી હારી ગયા હતા. પરિણામને લઈ શંકા વ્યક્ત કરતા તેમણે આ મામલો કોર્ટમાં પડકાર્યો હતો, જેના અનુસંધાનમાં હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો છે.


મુંબઈ ઉપનગર જિલ્લાના ડેપ્યુટી રિટર્નિંગ ઓફિસર અર્ચના કદમે જણાવ્યું છે કે EVM મશીનોની આ ‘ડાયગ્નોસ્ટિક ચેક’ પ્રક્રિયા 16 અને 17 એપ્રિલે હાથ ધરાશે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યારે પણ EVMની તપાસ કરવાનો આદેશ આપવામાં આવે ત્યારે ચૂંટણી પંચે બે મહિનાની અંદર સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણયને કારણે હવે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement