તાપી: તાપી જિલ્લા ભાજપ દ્વારા વ્યારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતની કુલ 188 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ વ્યારા નગરપાલિકાની ટિકિટ વિતરણ પ્રક્રિયા બાદ પક્ષની અંદર અસંતોષનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર, વ્યારા નગરમાં બપોરે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતા નીરવ અધ્વર્યુને સાંજે જ વોર્ડ નંબર-1માંથી ટિકિટ ફાળવવામાં આવી, જેને લઈને ભાજપના મૂળ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જુનાને કાપી નવાને ટિકિટ
વ્યારા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઘણા હાલના સભ્યોની ટિકિટ કાપીને નવા ચહેરાઓને તક આપી છે. પરંતુ પક્ષના પાયાના કાર્યકરોને સાઈડલાઈન કરીને બહારથી આવેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે.
કોંગ્રેસના માજી વિપક્ષના નેતા તરીકે ઓળખાતા નીરવ અધ્વર્યુએ ગત શનિવારે બપોરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને થોડા કલાકોમાં જ તેમને ટિકિટ આપવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કેટલાક કાર્યકરોએ ફરીથી ટિકિટ માગણી કરી હતી, પરંતુ તેમને અવગણીને બહારથી ઉમેદવાર ઉતારવામાં આવતા વ્યારા શહેરમાં ભાજપની અંદરની સ્થિતિ અંગે ચર્ચાઓ તેજ બની છે.