બોટાદમાં નાર્કોટિક્સના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ થયો છે. રાજકોટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને સી.આઈ.ડી. ક્રાઈમે સંયુક્ત ઓપરેશન દરમિયાન 22.80 ગ્રામ અફીણ સાથે ચોટીલાના 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે બોટાદ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી અફીણનો જથ્થો અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અફીણ ખરીદવા માટે ઓનલાઈન પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી અને આ જથ્થો બનાસકાંઠાના દાંતા વિસ્તારથી લાવવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે.
આ સમગ્ર કેસમાં કુલ ચાર શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે.