બોરસદના કાંધરોટી ગામેથી સાઈન બોર્ડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સ ઝડપાયા

બોરસદના કાંધરોટી ગામેથી સાઈન બોર્ડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે શખ્સ ઝડપાયા

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાંધરોટી ગામમાંથી કિલોમીટર દર્શાવતું લોખંડનું સાઈન બોર્ડ ચોરી થવાના કેસમાં વીરસદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરાયેલું સાઈન બોર્ડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડીયાકુવા-બનેજડા રોડ પર સાઈન બોર્ડ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કાંધરોટી ગામના માયા વિસ્તાર નજીક લોખંડની એંગલ સાથે લગાવવામાં આવેલું કિલોમીટર દર્શાવતું સાઈન બોર્ડ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા.

આ અંગે ફરિયાદ નોંધાયા બાદ વીરસદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બનેજડા ગામના હિતેશભાઈ રંગીતભાઈ સોલંકી અને સંજયભાઈ માનસિંગભાઈ પરમારની સંડોવણી સામે આવી હતી. પોલીસે બંનેને ઝડપી લઈ તેમની પાસેથી ચોરાયેલું સાઈન બોર્ડ કબજે કર્યું હતું.

પોલીસની પૂછપરછ દરમિયાન બંને શખ્સોએ શરૂઆતમાં ગલ્લા-તલ્લા કર્યા બાદ આખરે સાઈન બોર્ડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આશરે રૂ.1,200ની કિંમતનું ચોરાયેલું સાઈન બોર્ડ જપ્ત કર્યું છે.

સતીષભાઈ કાભઈભાઈ રાવળની ફરિયાદના આધારે વીરસદ પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.