બોરસદ નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવાના હેતુથી વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત જાહેરમાં કચરો ફેંકનારા તેમજ ગંદકી ફેલાવનારા વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
નગરપાલિકાની સેનિટરી ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો તેમજ રહેણાંક વિસ્તારોની આસપાસ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ગંદકી કરતા મળી આવેલા વ્યક્તિઓ પાસેથી સ્થળ પર જ કુલ રૂ. 3,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
દંડ ફટકારવા સાથે નગરપાલિકાએ સંબંધિત તમામ વ્યક્તિઓને કડક સૂચના આપી હતી કે જો ભવિષ્યમાં ફરી ગંદકી કરતા પકડાશે તો તેમની સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ વધારે દંડ પણ વસૂલવામાં આવશે.
બોરસદ નગરપાલિકા તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે. **‘સ્વચ્છ બોરસદ, સુંદર બોરસદ’**ના મંત્રને સાર્થક કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.