બોરસદમાં નવી DYSP કચેરી શરૂ, મંત્રી કમલેશ પટેલે કર્યું ઉદ્ઘાટન
બોરસદમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના હેતુથી નાયબ પોલીસ અધિક્ષક (DYSP) વિભાગીય કચેરીનું 23 જાન્યુઆરી, 2026 ના રોજ વસંત પંચમીના પાવન દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના નાણાં, જેલ અને પોલીસ ગૃહ આવાસ વિભાગના મંત્રી કમલેશ પટેલે આ કચેરીનું ઉદ્ઘાટન કર્યું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષ પટેલ અને જિલ્લા પોલીસ વડા જી. જી. જશાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવી નિર્મિત અને સુવિધાસજ્જ આ કચેરીને વિધિવત રીતે કાર્યરત કરવામાં આવી છે.
બોરસદ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના નવનિયુક્ત DYSP એસ. પી. કહારને સત્તાવાર રીતે ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે જ કચેરીએ આજથી નિયમિત કાર્યભાર સંભાળી લીધો છે.
કાર્યક્રમને સંબોધતા મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું કે, નવી કચેરી કાર્યરત થવાથી બોરસદ સહિત આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બનશે, જેનાથી જનતાને ઝડપી ન્યાય અને સુરક્ષા મળશે. તેમણે પોલીસ અધિકારીઓને ન્યાયપ્રિયતા, પારદર્શિતા અને સંવેદનશીલતાથી ફરજ બજાવવા અપીલ કરી હતી.
કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે, નવી DYSP કચેરી શરૂ થવાથી ગુનાખોરી પર નિયંત્રણ આવશે અને પોલીસ કામગીરીમાં ગતિ તથા કાર્યક્ષમતા વધશે. સાંસદ મિતેષ પટેલે આ અવસરને બોરસદ માટે ગૌરવપૂર્ણ ગણાવ્યો હતો અને પોલીસ તંત્રને જનતાની સાથે ઊભા રહેવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા જી. જી. જશાણીએ નવી કચેરીની કાર્યપદ્ધતિ અને જવાબદારીઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકો (DYSP), પોલીસ ઇન્સ્પેક્ટરો (PI), પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.