Advertisement

બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક ખેત પેદાશ વેંચાણ કેન્દ્રમાં ખેત પેદાશનું સારું વેચાણ

બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક ખેત પેદાશ વેંચાણ કેન્દ્રમાં ખેત પેદાશનું સારું વેચાણ



આણંદ, મંગળવાર :આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે.


આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે.


આ કેન્દ્ર ખાતે શરૂ થયા બાદ પ્રાકૃતિક પોઝિટિવ મીલેટ્સ એટલે કે હરી કાંગ, કાંગ, કોદરી, મોરૈયો અને સામો આ ઉપરાંત કૃષ્ણ કમોદ ચોખા, કણકી, લોટ અને પાપડી તથા ટોમેટો કેચઅપ, મરચું પાવડરના વેચાણ માટે બોરસદ તાલુકાના વિરસદ ગામ ખાતેથી આવતા મિહિર અમીને જણાવ્યું હતું કે ગ્રાહકો ધીરે ધીરે વધી રહ્યા છે અને વેચાણ પણ સારું થઈ રહ્યું છે.


ઉમરેઠ તાલુકાના નિમેષભાઈ પટેલે જણાવ્યું કે હું દેશી ગાયનું ઘી, ચોખા, બાજરી, પ્રાકૃતિક શાકભાજી, લીલી ડુંગળી, ધાણા, ફુદીનો વગેરેનું વેચાણ કરું છું, ઉમરેઠ તાલુકાના નાગજીપુરા ગામના પિનાકીનભાઈ પટેલે જણાવ્યું કે મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી છે અને 2018 થી હું 40 ગુંઠામાં ઘઉં, બાજરી પ્રાકૃતિક રીતે કરું છું. આ ઉપરાંત ઉમરેઠ તાલુકાના ઝાખલા ગામના મહેશભાઈ પટેલ એ જણાવ્યું કે હું પાંચ વીઘામાં શાકભાજી રીંગણ મરચી દૂધી પપૈયાની પ્રાકૃતિક ખેતી કરીને એટેક સેન્ટર ખાતે મંગળવારે વેચાણ માટે આવું છું. તેવી જ રીતે બોરસદ તાલુકાના કસુંબાડ ગામના રણજીતસિંહ ગોહિલે પ્રાકૃતિક શાકભાજી તુવેર, પાપડી, ટીંડોળા, મરચા, સરગવો નું વેચાણ સરસ રીતે થાય છે, તેમ જણાવ્યું હતું. ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામના રણજીતસિંહ ચૌહાણ એ જણાવ્યું કે હું પ્રાકૃતિક ખેતી કરું છું અને ભીંડી, મરચાં, પાલક, રીંગણ ઉપરાંત સરગવાનો પાવડર, મીઠા લીમડાનો પાવડર અને બિયારણ એટીક સેન્ટર ખાતે દર મંગળવારે નિયમિત વેચું છું જેનું વેચાણ ધીરે ધીરે વધી રહ્યું છે.

 

એટીક સેન્ટર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની શાકભાજી સહિત કઠોળની વસ્તુઓ લેવા આવતા સુનીતાબેન, લત્તાબેન અને વિશ્વંભર ફૂલવાણી એ જણાવ્યું કે અન્ય શાકભાજીની તુલના એ પ્રાકૃતિક શાકભાજી મોંઘા નથી ભાવ સરખા છે પણ આ શાકભાજી અમે નિયમિત લેવા આવીએ છીએ જેનો ટેસ્ટ પણ સારો છે, પૈસા પણ વધારે નથી અને સ્વાસ્થ્ય બગડશે નહીં એવો વિશ્વાસ પણ રહે છે. 


આણંદ જિલ્લાના નગરજનોનું સ્વાસ્થ્ય જળવાય અને પ્રાકૃતિક કૃષિ અપનાવેલ ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે દર મંગળવારે એટીક સેન્ટર ખાતે યોજાતા પ્રાકૃતિક ખેત પેદાશો વેંચાણ કેન્દ્ર ખતેથી પ્રાકૃતિક કૃષિ આધારિત શાકભાજી અને કઠોળની ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી કરવા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જી.સી. ભાલોડીયા નગરજનોને અનુરોધ કર્યો છે.


Advertisement