બોરીયાવીમાં પાણીની પાઇપલાઇનના ખોદકામ બાદ પાણી પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

બોરીયાવીમાં પાણીની પાઇપલાઇનના ખોદકામ બાદ પાણી પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

મુખ્ય પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા 15થી વધુ સોસાયટીઓમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. જેના કારણે 5 હજારથી વધુ લોકોને પીવાના પાણી માટે બહારથી પાણીના જગ મંગાવવાની ફરજ પડી રહી છે.

બોરીયાવીના રાવળવાસ, મુખ્ય પાણીની ટાંકી આસપાસના વિસ્તાર તેમજ તળાવ કિનારે નલ સે જલ યોજના હેઠળ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કરવામાં આવેલા ખોદકામમાં મુખ્ય પાણીની પાઇપલાઇનને નુકસાન પહોંચતા છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે.

પાણી પુરવઠો બંધ રહેતા રોષે ભરાયેલા સ્થાનિક રહિશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઘેરાવ કરી રજૂઆત કરી હતી. જોકે, રજૂઆત બાદ પણ તાત્કાલિક ઉકેલ ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

ગટરનું પાણી ભળ્યાના આક્ષેપ બાદ રોગચાળો

પાઇપલાઇનમાં લીકેજના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યાના આક્ષેપો વચ્ચે બોરીયાવીમાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 78થી વધુ દર્દીઓ ઝાડા-ઉલ્ટીની ફરિયાદ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે પહોંચ્યા છે.

પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમે બોરીયાવીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પાલિકાને નોટિસ આપી તાત્કાલિક ક્લોરીનેશન કરેલું શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા સૂચના આપવામાં આવી છે.

રોગચાળાની સ્થિતિને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગે 6 વિશેષ ટીમો તૈનાત કરી છે. ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે અને જરૂરિયાત મુજબ દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

હવે પાણીની પાઇપલાઇનનું લીકેજ ઝડપથી દૂર કરી પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવા તેમજ પીવાના પાણીની ગુણવત્તા જાળવવા તંત્ર સામે સ્થાનિકોની નજર છે.