બિસ્લેરીના પાણીમાં જોખમી તત્ત્વો મળ્યાનો દાવો, FSSAIએ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી

બિસ્લેરીના પાણીમાં જોખમી તત્ત્વો મળ્યાનો દાવો, FSSAIએ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી

બે અલગ લેબોરેટરીની તપાસમાં સેમ્પલ અસુરક્ષિત જાહેર, ચોકલેટ કૂકીઝની એક બેચ બજારમાંથી પરત ખેંચવાનો પણ આદેશ

દેશમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ચિંતાજનક મામલો સામે આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જાણીતી પાણીની કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કંપનીના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના સેમ્પલની લેબોરેટરી તપાસમાં નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન સામે આવતાં તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, બિસ્લેરીના પાણીના સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ કંપનીની અપીલના પગલે સેમ્પલને બીજી રેફરલ ફૂડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. અહીં પણ તપાસ દરમિયાન પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી મળી આવતાં સેમ્પલને ફરીથી અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.

બે લેબોરેટરીની તપાસ બાદ કાર્યવાહી

FSSAIના જણાવ્યા અનુસાર, કંપનીના પરિસરમાંથી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું નિયમનકારી સેમ્પલ લેવામાં આવ્યું હતું. પ્રથમ તપાસમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા મુજબ ન હોવાનું સામે આવ્યું હતું.

કંપનીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી. ત્યારબાદ સેમ્પલને રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. બીજી તપાસમાં પણ સેમ્પલ અસુરક્ષિત જાહેર થતાં FSSAIએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે બ્રોમેટ અને કેટલાક પ્રકારના PAHs સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. ચોક્કસ પ્રમાણ અને લાંબા સમય સુધીના સંપર્કના આધારે તેની આરોગ્ય પર ગંભીર અસરો થઈ શકે છે.

ચોકલેટ કૂકીઝ પર પણ FSSAIની કાર્યવાહી

બિસ્લેરી ઉપરાંત FSSAIએ આશા કન્ફેક્શનરીની પ્રી-પેક્ડ ચોકલેટ ફિલ્ડ કૂકીઝ સામે પણ કાર્યવાહી કરી છે. લેબોરેટરી તપાસમાં કૂકીઝમાં વપરાયેલા રંગો અને લેબલિંગ સંબંધિત ગંભીર ખામીઓ સામે આવતાં અસરગ્રસ્ત બેચને બજારમાંથી પાછો ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન ત્રણ પ્રકારના કલરિંગ એજન્ટ અંગે વાંધા નોંધાયા હતા.

1. કાર્મોસિન (Carmoisine): કૂકીઝમાં આ કલરિંગ એજન્ટની હાજરી મળી હતી, પરંતુ પેકેટના લેબલ પર તેનો યોગ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

2. ટાર્ટ્રાઝિન (Tartrazine): આ કલરિંગ એજન્ટનું પ્રમાણ નિર્ધારિત મહત્તમ મર્યાદા કરતાં વધારે હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

3. સનસેટ યલો FCF (Sunset Yellow FCF): આ કેટેગરીના ખાદ્યપદાર્થોમાં તેના ઉપયોગને મંજૂરી ન હોવા છતાં સેમ્પલમાં તેની હાજરી મળી આવી હતી.

FSSAIએ આ કૂકીઝને મિસબ્રાન્ડેડ, હલકી ગુણવત્તાવાળી અને અસુરક્ષિત જાહેર કરી છે. સાથે જ કંપનીને અસરગ્રસ્ત સમગ્ર બેચ તાત્કાલિક બજારમાંથી પાછી ખેંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વલણ

FSSAI દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા જાળવવા માટે તપાસ તથા અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનારા ફૂડ બિઝનેસ સામે લાઇસન્સ સસ્પેન્ડ કરવા, પ્રોડક્ટ રિકોલ કરવા અને કાયદેસરની કાર્યવાહી જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

બિસ્લેરીના પાણી અને ચોકલેટ કૂકીઝના મામલાએ ફરી એકવાર પેકેજ્ડ ખાદ્યપદાર્થો અને પીણાંની ગુણવત્તા અંગે સવાલો ઊભા કર્યા છે. ગ્રાહકો માટે પણ પેકેટ પરની વિગતો, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી અને FSSAI સંબંધિત માહિતી તપાસવી જરૂરી બની છે.