દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે... ક્યાંક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, તો ક્યાંક પહાડો પરથી પથ્થરો પડતાં યાત્રા અટકાવી દેવામાં આવી છે.
બિહારમાં પૂરની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. 15 જિલ્લામાં 49.67 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. ઉત્તર બિહારમાં અનેક નદીઓ લાલ નિશાનથી ઉપર વહી રહી છે અને રાજ્યની 5 નદીઓ ખતરાના નિશાનથી ઉપર છે. હવામાન વિભાગે આજે રાજ્યના 22 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ બંધ છે. કેદારનાથ પગપાળા માર્ગ પર ચીરબાસા પાસે પહાડી પરથી સતત પથ્થરો પડવાને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
સુરક્ષા દળોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને લગભગ 7 હજાર યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી ગૌરીકુંડ તરફ મોકલ્યા છે. જોકે હજુ પણ 500થી વધુ લોકો ફસાયેલા હોવાની માહિતી છે. રસ્તામાં ઠેર-ઠેર ઘોડા અને ખચ્ચરના મૃતદેહો જોવા મળી રહ્યા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
હવે વાત ઉત્તર ભારતના વરસાદી એલર્ટની...
ઉત્તર પ્રદેશના 72 જિલ્લામાં વરસાદનું એલર્ટ, જ્યારે હરિયાણાના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. પંજાબના 18 જિલ્લામાં આજે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
રાજસ્થાનમાં પણ વરસાદનો કહેર યથાવત્ છે. 17 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ છે અને આજે રાજ્યના 20 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉદયપુરમાં 13 સપ્ટેમ્બરની રાતથી 14 સપ્ટેમ્બરની સાંજ સુધી ભારે વરસાદ નોંધાયો હતો.
અને હવે મધ્ય પ્રદેશની વાત કરીએ તો ચોમાસાની સિઝન પૂરી થવામાં માત્ર 15 દિવસ બાકી છે, પરંતુ રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય વરસાદના માત્ર 88 ટકા વરસાદ થયો છે.
ઇન્દોર, ઉજ્જૈન, જબલપુર સહિત 37 જિલ્લામાં વરસાદનો ક્વોટા હજુ પૂર્ણ થયો નથી. જ્યારે ભોપાલ અને ગ્વાલિયર સહિત માત્ર 18 જિલ્લા જ સામાન્ય કરતાં આગળ છે. અલીરાજપુરમાં તો સામાન્ય વરસાદના અડધા જેટલો પણ વરસાદ થયો નથી, જ્યારે નિવાડીમાં સામાન્ય કરતાં 49 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
એક તરફ મેઘરાજા ક્યાંક આફત બનીને વરસી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે...
આ વરસાદી સિઝનમાં કુદરતનો મિજાજ ક્યાંક પૂર, ક્યાંક ભૂસ્ખલન અને ક્યાંક વરસાદની અછત બનીને સામે આવ્યો છે.