પટના: બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 32 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. શાસક ગઠબંધનમાં સંતુલન જાળવવા માટે ભાજપ અને જેડીયુ વચ્ચે 50-50 ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે, જે અંતર્ગત બંને પક્ષોમાંથી 16-16 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત HAM અને LJP(R) ના ક્વોટામાંથી પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપીને સામાજિક અને રાજકીય સમીકરણો સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ શપથ ગ્રહણ સમારોહનું સૌથી મોટું આકર્ષણ પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રહ્યા હતા. નિશાંત કુમારે જેડીયુ ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લઈને સક્રિય રાજકારણમાં સત્તાવાર પદાર્પણ કર્યું છે. શપથ લેતા પહેલા તેમણે મંચ પર પોતાના પિતા નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા, જે ક્ષણ સમગ્ર સમારોહમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. નિશાંતની સાથે જેડીયુમાંથી શ્રવણ કુમાર, લેસી સિંહ, મદન સાહની, અશોક ચૌધરી અને નવા ચહેરા તરીકે શ્વેતા ગુપ્તાએ શપથ લીધા હતા. બીજી તરફ, ભાજપ ક્વોટામાંથી વિજય કુમાર સિંહા, રામ કૃપાલ યાદવ, કેદાર ગુપ્તા, નીતીશ મિશ્રા અને સંજય ટાઈગર જેવા દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં તૈયાર થયેલી આ 'સમ્રાટ' સેના આગામી સમયમાં બિહારના વિકાસ અને શાસનકાળમાં મહત્વની ભૂમિકા ભજવશે તેમ માનવામાં આવી રહ્યું છે.