બિહારમાં રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ મંગળવારે પોતાના પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠક કેન્દ્રીયમંત્રી શિવરાજસિંહના પર્યવક્ષણ હેઠળ મળી, જેમાં સમ્રાટ ચૌધરીને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ 15 એપ્રિલ 2026ના રોજ સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
સમ્રાટ ચૌધરીની રાજકીય સફર પણ રસપ્રદ રહી છે. તેઓ સમતા પાર્ટીથી રાજકારણમાં પ્રવેશ્યા બાદ RJD અને ત્યારબાદ JDUમાં જોડાયા હતા. જીતન રામ માંઝીની સરકારમાં તેઓ મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. વર્ષ 2018માં ભાજપમાં જોડાયા બાદ તેઓ ઝડપથી પાર્ટીમાં આગળ વધ્યા અને 2023માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત અપાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો.
રાજીનામા પહેલા નીતીશ કુમારે પોતાની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી, જેમાં તેઓ ભાવુક બન્યા હતા. તેમણે 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા પ્રયાસોનું સ્મરણ કર્યું અને જણાવ્યું કે તેમણે પોતાની ક્ષમતાનુસાર રાજ્ય માટે કાર્ય કર્યું છે. બેઠક દરમિયાન અન્ય મંત્રીઓ પણ ભાવુક બની ગયા હતા.
નીતીશ કુમારે નવી સરકારને શુભેચ્છા પાઠવી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે બિહારનો વિકાસ સતત ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે જ્યારે પણ જરૂરી પડશે ત્યારે તેઓ નવી સરકારને માર્ગદર્શન આપવા માટે તૈયાર રહેશે.