Advertisement

BIG NEWS: કેમિકલ અને ખાતર ઉદ્યોગ માટે ઇમ્પોર્ટ ડ્યૂટી શૂન્ય, જાણો કોને થશે ફાયદો.

BIG NEWS: કેમિકલ અને ખાતર ઉદ્યોગ માટે ઇમ્પોર્ટ ડ્યૂટી શૂન્ય, જાણો કોને થશે ફાયદો.

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધો વચ્ચે કેન્દ્ર સરકારે ભારતીય ઉદ્યોગોને મોટી રાહત આપી છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, દેશના ખાતર અને રાસાયણિક ઉદ્યોગો પર વધી રહેલા ખર્ચના દબાણને ઘટાડવા માટે લગભગ 40 જેટલા મહત્વના પેટ્રોકેમિકલ કાચા માલ અને ઇન્ટરમીડિયેટ ઉત્પાદનો પરની આયાત ડ્યૂટી (Import Duty) સંપૂર્ણપણે હટાવી લેવામાં આવી છે. સરકારના આ વ્યૂહાત્મક નિર્ણયથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટ મળશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની આશા છે.


ખાતર સેક્ટર માટે બૂસ્ટર ડોઝ

આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો ખાતર ઉત્પાદક કંપનીઓને થશે. ખાતર બનાવવા માટે અત્યંત આવશ્યક એવા 'અમોનિયમ નાઇટ્રેટ' પરનો આયાત શુલ્ક હટાવી લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, સરકારે અમોનિયમ નાઇટ્રેટ પર લાગતો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ (AIDC) પણ નાબૂદ કર્યો છે. આ પગલાથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થશે અને ખાતરની કિંમતોને સ્થિર રાખવામાં મોટી મદદ મળશે, જે અંતે કૃષિ ક્ષેત્ર માટે ફાયદાકારક સાબિત થશે.


દવા અને ઓટોમોબાઈલ સહિતના અનેક ઉદ્યોગોને થશે લાભ

કેમિકલ્સ પરની ડ્યૂટી નાબૂદ થવાથી માત્ર ખાતર જ નહીં, પરંતુ ફાર્માસ્યુટિકલ (દવા), પેકેજિંગ, ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોને પણ મોટી રાહત મળશે. મેથનોલ, ફિનોલ, એસિટિક એસિડ, પીવીસી અને પોલીપ્રોપીલિન જેવા રસાયણોનો ઉપયોગ પેઈન્ટ્સ, પાઈપ્સ, મેડિકલ સાધનો અને સ્પેસ-ડિફેન્સના પાર્ટ્સ બનાવવામાં થાય છે. આ કાચો માલ સસ્તો થવાથી આ તમામ ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી વૈશ્વિક બજારમાં ભારતીય પ્રોડક્ટ્સ વધુ સ્પર્ધાત્મક બનશે.


મોંઘવારી નિયંત્રણમાં મળશે મદદ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય જનહિતમાં લેવામાં આવ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની અછત છે, ત્યારે આયાત શુલ્ક શૂન્ય કરવાથી સ્થાનિક બજારમાં સપ્લાય વ્યવસ્થા મજબૂત બનશે. ઉદ્યોગોનો ઇનપુટ કોસ્ટ ઘટવાથી લાંબે ગાળે સામાન્ય જનતાને પણ ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળી શકે છે અને મોંઘવારીને અંકુશમાં લેવાના સરકારના પ્રયાસોને વેગ મળશે.

Advertisement