OLX પર સ્પોર્ટ્સ બાઈક વેચવા મૂકી હતી... ખરીદદાર બનીને એક શખ્સ આવ્યો... ટેસ્ટ ડ્રાઈવ માટે બાઈક લીધી અને પછી સીધો થયો ફરાર!
ભરૂચમાં OLX મારફતે સ્પોર્ટ્સ બાઈક વેચાણના મામલે થયેલી કથિત છેતરપિંડીનો ભરૂચ શહેર C ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગાંધીનગરમાંથી આરોપીને ઝડપી પાડી રૂ. 2.30 લાખની કિંમતની Kawasaki Ninja-650 સ્પોર્ટ્સ બાઈક કબજે કરી છે.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા વૈશાખ્ય માધવને પોતાની Kawasaki Ninja-650 સ્પોર્ટ્સ બાઈક OLX પર વેચાણ માટે મૂકી હતી. આ દરમિયાન ગાંધીનગરના પેથાપુર વિસ્તારના પ્રેમપારસ દેવેન્દ્રકુમાર પટેલે બાઈક ખરીદવામાં રસ દર્શાવ્યો હતો.
ફરિયાદ મુજબ, આરોપીએ બાઈક ખરીદવાનો વિશ્વાસ અપાવી ટેસ્ટ ડ્રાઈવના બહાને બાઈક લીધી હતી. પરંતુ ટેસ્ટ ડ્રાઈવ માટે બાઈક લઈને નીકળ્યા બાદ આરોપી પરત ન ફરતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.
આ મામલે ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયા બાદ પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે ગાંધીનગર સુધી પહોંચીને આરોપી પ્રેમપારસ પટેલને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી MH-12-MG-2303 નંબરની રૂ. 2.30 લાખની કિંમતની Kawasaki Ninja-650 સ્પોર્ટ્સ બાઈક કબજે કરી છે.
પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ પણ વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
OLX પર વેચાણ માટે મૂકેલી બાઈક... ખરીદદારનો વિશ્વાસ... ટેસ્ટ ડ્રાઈવનો બહાનો... અને બાઈક લઈને ફરાર!
પરંતુ આખરે ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.