Advertisement

ભરૂચ GIDC વિસ્ફોટ બાદ તણાવ: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી

ભરૂચ GIDC વિસ્ફોટ બાદ તણાવ: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં 23 એપ્રિલે થયેલા ભયાનક વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 16 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી રાકેશ વસાવા સહિત 2 લોકોના મોત થયા છે. ઘટના બાદ દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં મૃતકના પરિવારજનો સાથે તેમનો ઉગ્ર વિવાદ થયો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જગાઈ છે.


ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપની પર બેદરકારીના ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે પીડિતોને યોગ્ય સારવાર અને વળતર મળતું નથી, જ્યારે પોલીસે પણ યોગ્ય કામગીરી નહીં કરી હોવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ મૃતકના પરિવારજનોે ધારાસભ્યના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે કંપની વળતર અને ભવિષ્યની સહાય માટે તૈયાર છે અને તેઓ કંપની સાથે સહમત છે.


આ મામલે ચૈતર વસાવાએ ચેતવણી આપી છે કે જો પીડિત પરિવારોને યોગ્ય ન્યાય અને વળતર નહીં મળે તો 30 એપ્રિલે સમગ્ર વિસ્તારના કામદારો સાથે મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

Advertisement