*ભગવાનને પ્રાર્થના કરી... પછી લાખોની ચોરી! 🙏💰

*ભગવાનને પ્રાર્થના કરી... પછી લાખોની ચોરી! 🙏💰

વિસનગરમાં જવેલર્સની દુકાનમાં નજરચૂક ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ ટાવર વિસ્તારમાં આવેલી સન્માન જવેલર્સમાં ત્રણ મહિલાઓની ટોળકી ગ્રાહક બનીને આવી અને દુકાનદારોનું ધ્યાન ભટકાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ. મળતી માહિતી મુજબ, ત્રણેય મહિલાઓ એકસાથે જવેલર્સની દુકાનમાં પ્રવેશી હતી. શરૂઆતમાં તેમનું વર્તન સામાન્ય ગ્રાહકો જેવું જ હતું. તેમણે દુકાનમાં દાગીના જોવાનું શરૂ કર્યું અને દુકાનદારોને અલગ-અલગ વસ્તુઓ બતાવવા માટે વ્યસ્ત રાખ્યા. આ દરમિયાન ત્રણેય મહિલાઓએ એકબીજાની મદદથી દુકાનદારોનું ધ્યાન એવી રીતે ભટકાવ્યું કે તેમને ચોરીની જાણ પણ થઈ નહીં. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ટોળકીની એક મહિલા પહેલાં દુકાનમાં ભગવાન સામે પ્રાર્થના કરતી જોવા મળે છે. ત્યારબાદ જાણે કંઈ જ બન્યું ન હોય તેમ તે પોતાની સાથી મહિલાઓ સાથે દુકાનમાં ચોરીને અંજામ આપે છે. દુકાનદારોનું ધ્યાન બીજી તરફ હતું ત્યારે મહિલાઓએ કિંમતી દાગીના અને રોકડ પર હાથ સાફ કર્યો હતો. ત્યારબાદ એક મહિલાએ બેગ ઉઠાવી લીધી અને ત્રણેય મહિલાઓ દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી. ચોરીની જાણ થયા બાદ દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં રૂ. 2.50 લાખની રોકડ ઉપરાંત સોના-ચાંદીના દાગીના પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. રોકડ અને દાગીના મળીને કુલ રૂ. 9 લાખ 52 હજાર 400ની કિંમતની માલમત્તા ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દુકાનમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ફૂટેજના આધારે ત્રણેય મહિલાઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જવેલર્સ જેવી દુકાનોમાં એકસાથે અનેક ગ્રાહકો આવે ત્યારે દુકાનદારોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી ટોળકીઓ સક્રિય હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ત્યારે આ ઘટનાએ વેપારીઓને પણ વધુ સાવચેત રહેવાની ચેતવણી આપી છે.