સોશિયલ મીડિયા પર અત્યારે એક અનોખો સુપરહીરો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. હોલિવૂડના ગોથમ શહેરમાં અપરાધીઓ સામે લડતો બેટમેન હવે ભારતીય ગામડાઓની ગલીઓમાં જોવા મળી રહ્યો છે. જોકે આ બેટમેનનો અંદાજ થોડો અલગ છે. ક્યારેક તે ભેંસ પર સવારી કરતો જોવા મળે છે, તો ક્યારેક રેલવે ટ્રેક પાસે દાંત સાફ કરતો, ચાની ટપરીએ બેસતો અને ઓટો-રિક્ષામાં ફરતો નજરે પડે છે. આ તમામ દૃશ્યો પાછળ વાગતું 1999ની ફિલ્મ 'આરઝૂ'નું લોકપ્રિય ગીત 'સાજન સાજન તેરી દુલ્હન' વીડિયોને વધુ મજેદાર બનાવી રહ્યું છે.
આ અનોખી વીડિયો સીરિઝને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં આ સીરિઝને 2.5 ભેંસ પર સવાર ‘દેશી બેટમેન’નો સોશિયલ મીડિયા પર ધમાકો, માત્ર બે અઠવાડિયામાં 2.5 કરોડથી વધુ વ્યૂઝ
કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. દેશી વાતાવરણમાં બેટમેનની ગંભીર છબીને રમૂજી અંદાજમાં રજૂ કરવામાં આવી હોવાથી યુવાનો સહિત તમામ વયના લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.
સુજલ જયસ્વાર છે આ વાયરલ સીરિઝ પાછળનો ચહેરો
આ વાયરલ સીરિઝના સર્જક સુજલ જયસ્વાર છે. તેઓ ફિલ્મમેકર, ડિજિટલ ક્રિએટર અને AI જર્નલિસ્ટ તરીકે ઓળખાય છે. મૂળ મહારાષ્ટ્રના સુજલે વર્ષ 2021થી 2026 દરમિયાન IIM રાંચીમાંથી પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ પૂર્ણ કર્યો છે. કોલેજકાળથી જ ફિલ્મમેકિંગ અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે સક્રિય રહેલા સુજલે વર્ષ 2022માં IIM કલકત્તાની નેશનલ એડ મેકિંગ સ્પર્ધા જીતી હતી. આ ઉપરાંત વર્ષ 2025માં IIM લખનઉની શોર્ટ ફિલ્મ અને વ્લોગ સ્પર્ધામાં પણ વિજય મેળવ્યો હતો.
તેમણે અત્યાર સુધીમાં આ દેશી બેટમેન સીરિઝની નવ રીલ્સ રજૂ કરી છે. દરેક વીડિયોમાં અલગ વાર્તા, નવી પરિસ્થિતિ અને રમૂજી દેશી અંદાજ જોવા મળે છે. ખાસ વાત એ છે કે બેટમેન જેવા આંતરરાષ્ટ્રીય સુપરહીરોને ભારતીય લોકજીવન સાથે જોડીને રજૂ કરવાની તેમની કલ્પનાએ સોશિયલ મીડિયા પર નવી ઓળખ ઊભી કરી છે.
27 વર્ષ જૂના ગીતે વીડિયો સીરિઝને બનાવી વધુ લોકપ્રિય
આ સીરિઝની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ છે. વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મ 'આરઝૂ'ના ગીત 'સાજન સાજન તેરી દુલ્હન'ના રીમિક્સ વર્ઝનનો ઉપયોગ વીડિયોમાં કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, સૈફ અલી ખાન અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતાં. ગીતને અલકા યાજ્ઞિકે અવાજ આપ્યો હતો, જ્યારે તેનું સંગીત અનુ મલિકે તૈયાર કર્યું હતું અને ગીતના શબ્દો આનંદ બક્ષીએ લખ્યા હતા.
એક તરફ ગંભીર અને રહસ્યમય સુપરહીરો બેટમેનની છબી અને બીજી તરફ જૂના જમાનાનું રોમેન્ટિક ગીત, તેની સાથે ભેંસની સવારી અને દેશી જીવનશૈલીનો અનોખો સંગમ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ ટ્રેન્ડની લોકપ્રિયતા એટલી વધી કે એમેઝોન મ્યુઝિક ઇન્ડિયાએ પણ માધુરી દીક્ષિતના મૂળ ગીતના વીડિયો સાથે રીમિક્સને જોડીને મજેદાર પોસ્ટ શેર કરી હતી.
AI અને VFX સાથે રિયલ શૂટિંગનો અનોખો સમન્વય
દેશી બેટમેનના વીડિયો જોઈને ઘણા લોકો તેને સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI દ્વારા બનાવવામાં આવેલી સામગ્રી માને છે. જોકે આ પ્રકારના વીડિયોમાં રિયલ શૂટિંગ, સર્જનાત્મક એડિટિંગ, AI અને VFX જેવી ટેક્નોલોજીનો સમન્વય જોવા મળે છે. કોસ્ચ્યુમ, લોકેશન, કેમેરા એંગલ, કલર ગ્રેડિંગ અને દેશી વાતાવરણને કારણે આ વીડિયો સામાન્ય સોશિયલ મીડિયા રીલને બદલે નાની ફિલ્મ જેવો અનુભવ કરાવે છે.
વીડિયોને વધુ આકર્ષક બનાવવા માટે Higgsfield AI, Google Veo, Runway અને OpenAI Sora જેવા AI ટૂલ્સની સાથે Adobe Premiere Pro અને DaVinci Resolve જેવા એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે.
હોલિવૂડના સુપરહીરોને દેશી અંદાજમાં રજૂ કરીને સુજલ જયસ્વારે સાબિત કર્યું છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે હંમેશાં મોટું બજેટ કે ભવ્ય સેટની જરૂર હોતી નથી. નવીન કલ્પના, યોગ્ય સંગીત, સર્જનાત્મક રજૂઆત અને દેશી હ્યુમરનું મિશ્રણ પણ કરોડો લોકો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે ભેંસ પર સવાર દેશી બેટમેન અત્યારે ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે.