ભાવનગરના નકલી દારૂકાંડ બાદ હવે મહીસાગર પોલીસ પણ એક્શનમાં આવી છે.
જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ સામે પોલીસે ડ્રોનની મદદથી સઘન કાર્યવાહી શરૂ કરી છે.
કોઠંબા પોલીસ મથક વિસ્તારમાં DYSP કમલેશ વસાવા અને PIના નેતૃત્વ હેઠળ મહીસાગર નદીના કાંઠા તેમજ આસપાસના જંગલ વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ડ્રોન સર્વેલન્સ દરમિયાન ઘોડાના મોવાળા ગામના જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસે સ્થળ પર જ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ તોડી પાડી અને મળી આવેલા મુદ્દામાલનો નાશ કર્યો હોવાનું સામે આવ્યું છે.
મહીસાગર જિલ્લામાં જંગલ અને નદીકાંઠા જેવા દુર્ગમ વિસ્તારોમાં બુટલેગરો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા હવે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે પોલીસની કામગીરી પર સવાલો વચ્ચે મહીસાગર પોલીસની આ ડ્રોન કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
હવે સવાલ એ છે કે મહીસાગરની જેમ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી થશે?
કારણ કે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના કારોબાર પર કાયમી રોક લગાવવી એ જ સૌથી મોટો પડકાર છે.